કોરોનાના સૌથી વધુ સંક્રમણ મામલે ભારત બીજા નંબરે, 1000ને પાર થયા નવા વેરિયન્ટના કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સાવચેતી રાખવા સલાહ આપી

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
કોરોનાના સૌથી વધુ સંક્રમણ મામલે ભારત બીજા નંબરે, 1000ને પાર થયા નવા વેરિયન્ટના કેસ 1 - image


Coronavirus Case In India: દેશભરમાં કોરોનાનો કેર વધી રહ્યો છે અને નવા વેરિયન્ટ JN.1ના કેસોની વધતી સંખ્યા હવે ડરાવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર દેશમાં કોવિડના 609 નવા કેસ નોંધાયા છે જ્યારે સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3,368 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ત્રણ લોકોના મોત થયા છે જેમાં બે કેરળના અને એક કર્ણાટકના દર્દીનો સમાવેશ થાય છે. આ વચ્ચે કોવિડના નવા વેરિયન્ટ JN.1ના કેસની સંખ્યા એક હજારથી પણ વધુ થઈ ગઈ છે.

કોરોનાના નવા વેરિયન્ટ JN.1 બાદ દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમાં મોટાભાગના એક્ટિવ કેસમાં ઘરમાં જ ઓઈસોલેશન દરમિયાન સાજા થઈ રહ્યા છે. આ માટે હોસ્પિટલમાં જવા કે દાખલ થવાની જરૂર રહેતી નથી.

ભારતમાં JN.1ના ક્યાં અને કેટલા કેસ નોંધાયા?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના નવા કેસોને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક માર્ગદર્શિકા જાહેર કરી છે  અને સાવચેતી રાખવાની સલાહ આપી છે. નવી માહિતી અનુસાર, કર્ણાટકમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના 214 દર્દીઓ, મહારાષ્ટ્રમાં 170, કેરળમાં 154, આંધ્રપ્રદેશમાં 189, ગુજરાતમાં 76 અને ગોવામાં 66, તેલંગાણા 32, રાજસ્થાન 32, છત્તીસગઢમાં 25, તમિલનાડુમાં 22, દિલ્હીમાં 16, ઉત્તર પ્રદેશમાં 6, હરિયાણામાં 5, ઓડિશામાં 3, પશ્ચિમ બંગાળમાં 2 અને ઉત્તરાખંડમાં 1 કેસ નોંધાયો છે. 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં નવા સબ-વેરિયન્ટના કુલ 1,013 દર્દીઓની પુષ્ટિ થઈ છે.

કોરોના સંક્રમણ અને મૃત્યુ મામલે ભારત બીજા સ્થાને

કોરોના મહામારીના આંકડાઓ પર નજર કરીએ તો, કોરોનાને કારણે વૈશ્વિક સંક્રમણ અને મૃત્યુના મામલામાં ભારત હજુ પણ બીજા સ્થાને છે. સંક્રમણ અને મૃત્યુના સૌથી વધુ કેસ યુએસએમાં નોંધાયા છે. યુએસએમાં અત્યાર સુધીમાં (12 જાન્યુઆરી, 2024) 110,462,560 લોકો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક 1,191,815 છે. બીજા સ્થાને, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 45,020,333 કેસ નોંધાયા છે અને અહીં સત્તાવાર મૃત્યુઆંક 533,409 છે. ત્યારબાદ ફ્રાંસ, જર્મની, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, જાપાન અને ઈટાલીમાં સૌથી વધુ સંક્રમણના કેસ નોંધાયા છે.


Google NewsGoogle News