રાતા સમુદ્રમાં અમેરિકી યુદ્ધ જહાજ સહિત અન્ય જહાજો પર ફરીથી હુમલા : પેન્ટાગોનમાં ધમાલ મચી ગઈ છે
- ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયેલ તરફી હોવાથી તેના યુદ્ધ જહાજો અને અન્ય જહાજો પર અમન સ્થિત હુથીઓ હુમલા કરે છે
નવી દિલ્હી : ઈઝરાયલ-હમાસ યુદ્ધ દરમિયાન અમન સ્થિત હુથી આતંકવાદીઓએ અમેરિકાનાં યુદ્ધ જહાજ અને અન્ય જહાજો ઉપર ડ્રોન વિમાનો દ્વારા ફરી હુમલા શરૂ કરી દીધા છે. આથી અમેરિકામાં સંરક્ષણ મથક 'પેન્ટાગોન'માં હલચલ મચી ગઈ છે.
જોકે આ હુમલા કોણે કરાવ્યા હશે તે વિષે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ય નથી. પરંતુ નિરીક્ષકોનું તો સ્પષ્ટ અનુમાન છે કે સમગ્ર અમન ઉપર કબજો જમાવી બેઠેલા હુથી આતંકીઓનું જ આ કૃત્ય હોઈ શકે. કારણ સહજ છે કે ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકા સતત ઈઝરાયલ તરફે રહ્યું હોવાથી હુથી આતંકીઓએ જ આ હુમલા કર્યા હશે. તેમ પેન્ટાગોનનું માનવું છે.
હુથી બળવાખોરોને ઈરાન શસ્ત્ર સરંજામ મળે છે તે તો સર્વવિદિત છે સાથે અમેરિકા સામેની ઈરાનની દુશ્મનાવટ પણ જગજાહેર છે.
આ પૂર્વે પણ આ હુથી વિદ્રોહીઓ દ્વારા અમેરિકાનાં યુદ્ધ જહાજો કે સામાન્ય માલવાહક કે નાગરિક જહાજો ઉપર હુથી આતંકીઓએ હુમલા કર્યા હતા. તેથી ગઈકાલે પણ અમેરિકી યુદ્ધ જહાજો ઉપર તેમણે જ હુમલા કર્યા હોવાનું નિશ્ચિત લાગે છે.
નિરીક્ષકો સ્પષ્ટ માને છે કે 'હુથી' દ્વારા કરાતા આવા હુમલાઓનો અમેરિકા ટૂંક સમયમાં જ જડબાતોડ જવાબ આપશે.