તાજ મહેલના 'સેલ્સ' સ્થાયીરૂપે બંધ નથી અને તેમાં મૂર્તિઓ પણ નથીઃ ASI
- અરજીમાં 1951 અને 1958માં બનેલા કાયદાઓને બંધારણની જોગવાઈઓ વિરૂદ્ધ ઘોષિત કરવાની માગણી પણ કરવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 13 મે 2022, શુક્રવાર
અલ્હાબાદ હાઈકોર્ટે તાજ મહેલના 22 રૂમ ખોલવા મામલે જે અરજી કરવામાં આવેલી તેને ફગાવી દીધી છે. ત્યારે હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના અધિકારીઓના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, અરજીમાં કરવામાં આવેલા દાવાઓ ખોટા છે. અરજીમાં તાજ મહેલના બંધ રૂમોમાં સંભવિતરૂપે હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિ હોવાની વાત કરવામાં આવી હતી. પુરાતત્વ વિભાગના અધિકારીઓએ આ રૂમ સ્થાયીરૂપે બંધ ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સૌથી પહેલા તો આ રૂમ સ્થાયીરૂપે બંધ નથી અને તેમને તાજેતરમાં જ સર્વેક્ષણ કાર્ય માટે ખોલવામાં આવ્યા હતા. ઉપરાંત આટલા વર્ષો દરમિયાન રેકોર્ડ્સની જે તપાસ થઈ તેમાં પણ રૂમોમાં મૂર્તિઓ હોવાની વાત સામે નથી આવી. સત્તાવારરૂપે આ રૂમોને 'સેલ્સ' કહેવામાં આવે છે.
વધુ વાંચોઃ પહેલા M.A, PhD કરો, તાજ મહેલ કોણે બનાવ્યો તે રિસર્ચ કરો, 22 રૂમ ખોલવાની અરજી મુદ્દે કોર્ટની ફટકાર
ત્રણ મહિને પહેલા જીર્ણોદ્ધારની જે કામગીરી થઈ હતી તેમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે 'અત્યાર સુધી સમીક્ષા કરવામાં આવી તેવા એક પણ રેકોર્ડ અને રિપોર્ટ્સમાં મૂર્તિઓનું અસ્તિત્વ નથી જોવા મળ્યું.'
તાજ મહેલમાં સૌથી વધારે પહોંચ ધરાવતા અધિકારીઓનું માનીએ તો મકબરામાં 100થી વધારે સેલ્સ છે જે સુરક્ષાના કારણોસર જનતા માટે બંધ છે. સાથે જ તેમાં આ પ્રકારની કોઈ જાણકારી નથી મળી. ASIના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 22 રૂમ સ્થાયીરૂપે બંધ હોવાની વાત તથ્યાત્મકરૂપે ખોટી છે કારણ કે, સમયે-સમયે સંરક્ષણનું કામ થાય છે. એટલે સુધી કે, તાજેતરમાં થયેલા કામમાં 6 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
વધુ વાંચોઃ જાણો તાજ મહેલના વિવાદિત 22 રૂમ અંગે શું માન્યતા છે?
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, જનતા માટે બંધ 100 દરવાજાઓ બેઝમેન્ટ, મુખ્ય મકબરાની ઉપરી મંજિલો, બુર્જ, ચાર મીનારો, બાવલીની અંદર અને પૂર્વી, પશ્ચિમ તથા ઉત્તરી ક્ષેત્રોમાં ચમેલી તળ પર છે. તે સિવાય પરિસરમાં આવેલી અન્ય વિશ્વ ધરોહરોના અનેક હિસ્સાઓ વર્ષોથી સુરક્ષાના કારણોસર જનતા માટે બંધ છે.
વધુ વાંચોઃ તાજ મહેલના બંધ પડેલા 22 રૂમોમાં હિંદુ દેવી-દેવતાની મૂર્તિ હોવાનો દાવો, ASI તપાસની માગ
ઉલ્લેખનીય છે કે, અયોધ્યા નિવાસી રજનીશ સિંહે તાજ મહેલનો ઈતિહાસ જાણવા માટે એક સમિતિની રચના કરવા અને ઐતિહાસિક ઈમારતના બંધ પડેલા 22 રૂમ ખોલાવવા આદેશ આપવાનો આગ્રહ કરતી એક અરજી કરી હતી. ઉપરાંત અરજીમાં 1951 અને 1958માં બનેલા કાયદાઓને બંધારણની જોગવાઈઓ વિરૂદ્ધ ઘોષિત કરવાની માગણી પણ કરવામાં આવી હતી. આ કાયદાઓ અંતર્ગત જ તાજ મહેલ, ફતેહપુર સીકરીના કિલ્લા અને આગ્રાના લાલ કિલ્લા સહિતની ઈમારતોને ઐતિહાસિક ઈમારતો ઘોષિત કરવામાં આવી હતી.
વધુ વાંચોઃ તાજમહેલની જગ્યાએ અમારો પેલસ હતો, અમારી પાસે છે દસ્તાવેજોઃ જયપુરના રાજવી પરિવારનો દાવો