2024માં રાજનેતાઓના દીકરા-દીકરી સહિત ઘણાં નવા ચહેરા ચૂંટણી મેદાને, પરિવારવાદની દેખાઈ 'ઝલક'
Nepotism in Indian Politics: રાજકારણમાં પણ પરિવારવાદ અને વંશવાદના આરોપ-પ્રત્યારોપ વચ્ચે લોકસભાની આ ચૂંટણીમાં પણ ઘણા નવા ચહેરા જોવા મળશે. રાજકીય સોગઠાબાજીઓની વચ્ચે રાજકીય પરિવારના સભ્યો પોતાના કારકિર્દીનો પ્રારંભ કરશે.
પરિવારવાદ માટે ગઢ ગણાતા બિહારમાં આ વખતે ઘણા નવા ચહેરાઓ હોડમાં ઉતર્યા છે. બિહારના રાજકીય રીતે વગદાર ગણાતા પરિવારની સભ્ય રોહિણી આચાર્ય આ લોકસભામાં પોતાનું નસીબ અજમાવી રહી છે. લાલુ પ્રસાદ યાદવ પરિવારની અત્યાર સુધીમાં આ આઠમી વ્યક્તિ આ ચૂંટણી દ્વારા રાજકીય ડેબ્યૂ કરી રહી છે.
પક્ષોમાં પરિવારના લોકોને રાજકારણમાં સેટ કરવાનો ટ્રેન્ડ
જેડીયુના દિગ્ગજ નેતા અશોક ચૌધરીની પુત્રી શંભવી ચૌધરીને એલજેપી(આર)ની સમસ્તીપુરની બેઠક ઉપરથી પોતાની કારકિર્દીને લોન્ચ કરી રહી છે. તેવી જ રીતે એલજેપી(આર)ના વડા ચિરાગ પાસવાન દ્વારા પોતાના બનેવી અરુણ ભારતીને ઊભા રાખવામાં આવ્યા છે.
આ હોડ અહીંયા જ અટકે તેમ નથી. રાજકારણની નવી પેઢી આ લોકસભામાં પોતાનું કૌવત બતાવવા સજ્જ છે. લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમારનો પુત્ર અંશુલ અભિજીત, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રતાપસિંહનો પુત્ર વિકાસ સિંહ અને પૂર્વ મુખ્યમંત્રી કેદાર પાંડેનો પ્રપૌત્ર શાશ્વત પાંડે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ દ્વારા પણ આ લોકસભામાં દિગ્ગજ નેતા સીપી ઠાકુરના પુત્ર વિવેક ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે.
પિતા લાલુપ્રસાદને કિડની દાન કરી હતી રોહિણીએ
રાજકીય પરિવારવાદની વાત કરીએ તો તેમાં સૌથી ચર્ચિત નામ રોહિણી આચાર્ય છે. તેણે પોતાના પિતા એવા બિહારના પૂર્વ સીએમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવને કિડની ડોનેટ કરી હતી. પિતાને કિડનીનું દાન કરીને રોહિણી ચર્ચામાં આવી હતી. હવે તેને સારણ બેઠક ઉપરથી લોકસભાની ટિકિટ આપવામાં આવી છે.
લાલુ પ્રસાદના પરિવારમાં તેમની પત્ની રાબડી દેવી વિધાન પાર્ષદ છે, પુત્ર તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ ધારાસભ્ય છે. લાલુ અને રાબડીની પુત્રી મીસા ભારતી રાજ્યસભાની સભ્ય છે. બીજી તરફ રાબડીના બે ભાઈઓ સાધુ યાદવ અને સુભાષ યાદવ પણ રાજકારણમાં સક્રિય છે. તેઓ રાજકીય મતભેદને પગલે લાલુ પરિવારથી દૂર છે છતાં રાજકીય વંશવાદમાં તેમનું નામ પણ લેવાય જ છે. હવે રોહિણીએ પણ સક્રિય રાજકારણમાં પગપેસારો કરી દીધો છે.
સાળા-બનેવીની જોડીએ પણ નસીબ અજમાવ્યું
રાજકીય કૂટનિતીમાં પશુપતિ પારસને હરાવવા માટે હવે રામ વિલાસ પાસવાનના પુત્ર અને ભત્રીજા ચિરાગ પાસવાને ઝંપલાવ્યું છે. તેણે પોતાના ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ચિરાગ પાસવાન પોતાના પિતાની પરંપરાગત બેઠક હાજીપુરથી ચૂંટણી લડવાનો છે.
તો બીજી તરફ જમાઈમાં તેણે પોતાના બનેવી અરુણ ભારતી ઉપર વિશ્વાસ મુકીને ટિકિટ આપી છે. આ ઉપરાંત તેણે નીતીશ સરકારમાં મંત્રી રહેલા અશોક ચૌધરીની પુત્રી શાંભવી ચૌધરીને ટિકિટ આપી છે. અરુણ ભારતી અને શાંભવી ચૌધરી આ લોકસભા ચૂંટણીથી પોતાની રાજકીય કારકિર્દીની શરૃઆત કરવાના છે.
ત્રણ ચહેરા માટે લોન્ચ પેડ તૈયાર, ઘડી ગણાઈ રહી છે
રાજકીય અવકાશમાં ત્રણ નવા સિતારા લોન્ચ થવાની તૈયારીઓમાં છે. પરિવારવાદના આ અવકાશમાં કોંગ્રેસના ત્રણ નેતાઓના પરિવારજનોને અવસર આપવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમાં સૌથી પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારના પુત્ર અંશુલ અભિજીતને તક આપવાની વાત ચાલી રહી છે.
તે સિવાય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહના પુત્ર વિકાસ સિંહ અને પૂર્વ સીએમ કેદાર પાંડેના પ્રપૌત્ર શાશ્વત પાંડેને ચૂંટણી લડાવવાનું નક્કી છે. તેમના માટે યોગ્ય બેઠકની જાહેરાત કરવામાં આવશે.
જૂના જોગીઓ પણ મેદાને પડેલા છે
રાજકીય વંશવાદ અને પરિવારવાદના જૂના જોગીઓ ગણાતા નેતાઓ પણ મેદાને પડેલા જ છે. બાહુબલી નેતા આનંદ મોહનની પત્ની લવલી આનંદ શિવહરથી જેડીયુની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે. તેમનો પુત્ર તો ધારાસભ્ય છે જ. બીજી તરફ ભાજપે પોતાના પ્રદેશ અધ્યક્ષ સી.પી. ઠાકુરના પુત્ર વિવેક ઠાકુરને નવાદાથી ઉમેદવાર બનાવ્યા છે.
આરજેડીના ધારાસભ્ય તથા બાહુબલી નેતા તથા સાંસદ એવા શાહબુદ્દીનના પત્ની હિના શહાબને સીવાન બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસથી નિરાશ ચાલી રહેલા બાહુબલી નેતા પપ્પુ યાદવે પૂર્ણિયા બેઠક ઉપરથી ઝંપલાવ્યું છે. તેમની પત્ની રંજીતા રંજન કોંગ્રેસની રાજ્યસભા સાંસદ છે.
રાજકીય વારસાની યાદી બહુ લાંબી થતી જાય છે
રાજકારણમાં પરિવારવાદ અને વંશવાદની યાદી બહુ લાંબી થતી જાય છે. પશ્ચિમ ચંપારણથી ભાજપના પૂર્વ સાંસદ અને દિગ્ગજ નેતા મદન જયસ્વાલના પુત્ર સંજય જયસ્વાલને ટિકિટ આપવામાં આવી છે. તેવી જ રીતે મધુબની ખાતે ભાજપના પૂર્વ મંત્રી હુકુમદેવ નારાયણ યાદવના પુત્ર અશોક યાદવ તથા ઔરંગાબાદથી પૂર્વ સાંસદ રામનરેશ સિંહના પુત્ર સુશીલકુમાર સિંહને ટિકિટ આપવામાં આવી છે.
વાક્મીકિનગરથી જેડીયુના ઉમેદવાર સુનીલ કુમાર પણ પૂર્વ મંત્રી વૈદ્યનાથ મહતોના પુત્ર છે. એલજેપી(આર)ના વીણા દેવીને વાલ્મીકિનગરથી ટિકિટ આપવામાં આવી છે. વીણા દેવી પક્ષના એમએલસી દિનેશસિંહના પત્રની છે. તેવી જ રીતે જેડીયુના સીવાનના ઉમેદવાર વિજયલક્ષ્મી કુશવાહા પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય રમેશ કુશવાહાના પત્ની છે.