'ભત્રીજો' મંત્રાલયમાં વ્યસ્ત અને 'કાકા' એ કર્યું મોટું એલાન, '...તો તમામ 243 બેઠકો પર ચૂંટણી લડીશું'

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
'ભત્રીજો' મંત્રાલયમાં વ્યસ્ત અને 'કાકા' એ કર્યું મોટું એલાન, '...તો તમામ 243 બેઠકો પર ચૂંટણી લડીશું' 1 - image


Image: X

Pashupati Kumar Paras: રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સહ પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ મંગળવારે ખગડિયા પહોંચ્યા. જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી. આ દરમિયાન તેમણે બિહાર સરકાર પર અને ભત્રીજા ચિરાગ પાસવાન પર પણ નિશાન સાધ્યું. તેમણે વિધાનસભા ચૂંટણીમાં બેઠકોને લઈને જાહેરાત કરી દીધી.

ચિરાગ પાસવાન પર સાધ્યું નિશાન

તેમણે ઈશારામાં જ પોતાના ભત્રીજા ચિરાગ પાસવાન પર પણ નિશાન સાધ્યું અને કહ્યું અમુક લોકો એવા પણ છે, જેમને પાંચ-પાંચ બેઠકો મળી. તેમ છતાં તેમના તમામ લોકો ભાગી ગયા. સંગઠન અમારું મજબૂત છે. સંગઠનના લોકોને મે કહ્યું કે એનડીએના ઈમાનદાર સહયોગી દળના રૂપમાં આપણે છીએ. 

એનડીએ સાથે વાત ન બની તો 243 બેઠકો પર ઉમેદવાર ઉતારશે

પશુપતિ પારસે કહ્યું કે આગામી દિવસોમાં બિહારના 243 વિધાનસભા બેઠકો પર રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીને મજબૂત કરવાનો અમારો પ્રયત્ન છે. જો એનડીએની સાથે અમારું તાલમેલ થયું, તો તમામ બેઠકો પર અમારી પાર્ટી એનડીએની મજબૂતીની સાથે સમર્થન કરશે. જો ન થયું તો તમામ 243 બેઠકો પર રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી પોતે ચૂંટણી લડશે.

અમારી પાર્ટી દલિતોની પાર્ટી છે તેથી ન્યાય થયો નહીં

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં અમારી સાથે ન્યાય થયો નથી. અમારી પાર્ટી દલિતોની પાર્ટી છે, તેથી અમને ન્યાય મળ્યો નહીં. તેમ છતાં હું એનડીએ ગઠબંધનની સાથે હતો અને છું. 31 જુલાઈએ અમે પટનામાં પાર્ટીની બેઠક બોલાવી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો. ખુશીની વાત એ છે કે અમને લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક પર લડવાની તક મળી નહીં, તેમ છતાં અમારા દળના લોકો ભાગ્યા નથી.

પશુપતિ પારસે અમલદારશાહી પર નિશાન સાધ્યું

પશુપતિ પારસે અમલદારશાહી પર નિશાન સાધતાં કહ્યું કે ગત દિવસોમાં બિહારમાં દલિતોની સાથે ત્રણ-ચાર જઘન્ય ઘટનાઓ ઘટી છે. જેનો દલિત સેના વિરોધ કરે છે. એવું એટલા માટે થઈ રહ્યું છે કેમ કે બિહારમાં અમલદારશાહી છે. વહીવટી મૌનના કારણે દિન-પ્રતિદિન બિહારમાં ગુના વધી રહ્યાં છે. ગુનેગારો પર અંકુશ નથી. તેમણે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં કહ્યું કે પહેલા ખોટું કરનારને તાત્કાલિક સજા મળતી હતી. હવે તો 40 વર્ષ બાદ ચુકાદો આવે છે ત્યાં સુધી ફરિયાદી મૃત્યુ પામી જાય છે. મારા હિસાબે કાયદામાં સુધારો થવો જોઈએ. 

પશુપતિ પારસે પીએમ મોદીના ખૂબ વખાણ કર્યાં

પશુપતિ પારસે કહ્યું કે એનડીએથી અમારી નારાજગી હતી પરંતુ રાષ્ટ્રહિતમાં અમે પોતાની પાર્ટીને માઈનસમાં કરીને એનડીએનું સમર્થન કર્યું. આઝાદી બાદ દેશને પહેલા એવા વડાપ્રધાન મળ્યાં છે જે વિશ્વ સ્તરે સર્વમાન્ય નેતા છે. લોકસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ પર લડવામાં આવી હતી. ડો. આંબેડકરે દલિતો, પછાત જાતિઓને અનામત આપવાનું કામ કર્યું હતું. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગ કરીએ છીએ કે ભારતમાં અનામતની જે સુવિધા આપવામાં આવી છે તેને સંસદમાં પાસ કરાવીને બંધારણની નવમી યાદીમાં સામેલ કરવામાં આવે. 

પશુપતિ પારસે ભારત બંધનું સમર્થન કર્યું

તેમણે 21 ઓગસ્ટે બહુજન સમાજ દ્વારા આયોજિત ભારત બંધનું સમર્થન કર્યું છે. તેમણે પારિવારિક વિવાદ પર કહ્યું કે બહારના લોકોથી લડવું સરળ છે. પરિવારના લોકો સાથે લડવું ખૂબ મુશ્કેલ છે. આ અવસરે દલિત સેનાના પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામ કુમાર દાહા, દલિત સેના જિલ્લા અધ્યક્ષ બાલકૃષ્ણ પાસવાન, પૂર્વ સુપ્રીમો સંજય યાદવ, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ મુ.માસૂમ, રવિ કુમાર, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રવણ અગ્રવાલ, ડો. રંજીત પાસવાન વગેરે હાજર હતાં.


Google NewsGoogle News