દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન કઈ ધાતુમાંથી બને છે? જાણો કોણ અને ક્યાં બનાવે છે એવોર્ડ...
Bharat Ratan Award: કેન્દ્ર સરકારે બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરને તેમની 100મી જન્મજયંતી નિમિતે એટલે કે 24 જાન્યુઆરીએ મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તેઓ બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી હતા અને 1988માં તેમનું નિધન થયું હતું. શું તમને ખબર છે કે ભારત રત્ન પુરસ્કાર કઈ ધાતુનો બનેલો છે? આ પુરસ્કાર કોણ બનાવે છે અને ક્યાં બનાવાય છે? જાણીએ આ બધા જ પ્રશ્નોના જવાબ.
ભારત રત્ન આપવાની શરૂઆત ક્યારે થઈ?
ભારત રત્ન આપવાની શરૂઆત 1954માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરાઈ હતી. આ એવોર્ડથી ભારતીયો ઉપરાંત બે વિદેશી નાગરિકને પણ સન્માનિત કરાયા છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને સૌથી પહેલા આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. મળતી માહિતી અનુસાર દર વર્ષે વધુમાં વધુ ત્રણ લોકોને ભારત રત્ન અપાઈ શકે છે. એવું જરૂરી નથી કે આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે.
કોને આપવામાં આવે છે ભારત રત્ન?
ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જેમણે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં નોંધપાત્ર અને અસામાન્ય યોગદાન આપીને રાષ્ટ્રની સેવા કરી હોય તેવી વ્યક્તિને જ આ સન્માન અપાય છે. જો કે બાદમાં રમતગમત ક્ષેત્રમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરનારને ભારત રત્ન આપવાની જોગવાઈ કરાઈ હતી.
આ સન્માનમાં લોકો શું મેળવે છે?
ભારત રત્નથી સન્માનિત વ્યક્તિને રાષ્ટ્રપતિ દ્વારા સહી કરેલું પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. આ સન્માનના તેમને કોઈ પૈસા આપવામાં આવતા નથી.
કેવો હોય છે ભારત રત્ન મેડલ?
ભારત રત્ન માટે અપાતો મેડલ પીપળાના પાન જેવો દેખાય છે, જેને શુદ્ધ તાંબામાંથી બનાવવામાં આવે છે. તેની લંબાઈ 5.8 સે.મી., પહોળાઈ 4.7 સે.મી. અને જાડાઈ 3.1 મિ.મી. છે. તેમજ પીપળાના પાન પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય છે. તેની ધાર પણ પ્લેટિનમની છે. ભારત રત્નમાં સૂર્યની નીચે ચાંદીથી હિન્દીમાં ભારત રત્ન લખેલું હોય છે જ્યારે પાછળની બાજુએ અશોક સ્તંભની નીચે હિન્દીમાં 'સત્યમેવ જયતે' લખેલું છે.
આ મેડલ ક્યાં બનાવવમાં આવે છે?
માહિતી અને પ્રસારણ મંત્રાલયથી મળતી માહિતી અનુસાર, કોલકાતા મિન્ટ દ્વારા ભારત રત્ન તૈયાર કરવામાં આવે છે. અનુભવી કારીગરો દ્વારા મહિનાઓની મહેનતથી ભારત રત્ન બને છે. ભારત રત્ન બનાવતી વખતે ટંકશાળમાં ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરવામાં આવે છે. આ એવોર્ડ કાસ્ટિંગ દુનિયામાં અનોખું સ્થાન ધરાવે છે. મેડલની ડિઝાઇનની શ્રેષ્ઠતા માટે આ કામ ફક્ત ટંકશાળના અનુભવી કારીગરોને જ અપાય છે. વર્ષ 1757 માં સ્થાપવામાં આવેલી કોલકાતા મિન્ટ જ પહેલેથી ભારત રત્ન તૈયાર કરી રહી છે. આ ઉપરાંત તે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મ શ્રી, પરમ વીર ચક્ર અને તમામ નાગરિક, સૈન્ય, રમતગમત અને પોલીસ મેડલ પણ તૈયાર કરે છે.