બલરામપુર બેઠકનો રસપ્રદ ઈતિહાસ, નહેરુએ વાજપેયી સામે ચૂંટણી પ્રચાર ના કર્યો ને એન્ટ્રી થઈ બલરાજ સાહનીની...

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
બલરામપુર બેઠકનો રસપ્રદ ઈતિહાસ, નહેરુએ વાજપેયી સામે ચૂંટણી પ્રચાર ના કર્યો ને એન્ટ્રી થઈ બલરાજ સાહનીની... 1 - image
Image  Wikipedia


Lok Sabha Elections 2024 | દેશમાં લોકસભા ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. એક પછી એક પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. તો એક બાજુ રાજકીય પક્ષોના મોટા નેતા અને સ્ટાર ઉમેદવારોએ પ્રચાર શરુ કરી દીધો છે. તો વળી કેટલાક ઉમેદવારો પ્રચાર માટે સેલિબ્રિટી અને ફિલ્મ સ્ટાર્સની મદદ લઈ રહ્યા છે. આવામાં તે ચૂંટણીની વાત સામે આવી છે, જ્યારે પ્રચારમાં ફિલ્મ સ્ટાર્સની એન્ટ્રી થઈ હતી. વાત છે વર્ષ 1962ની ચૂંટણીની, જે યુપીની પહેલી ચૂંટણી હતી, અને તેમાં બોલિવૂડ સ્ટાર બલરાજ સાહની પ્રચારમાં એન્ટ્રી થઈ હતી.

સુભદ્રા જોશીનું નામ સાંભળીને અટલ બિહારી પણ ચોંકી ગયા હતા

1962ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની બલરામપુર બેઠક પર જનસંઘના ઉમેદવાર અને કોંગ્રેસ નેતા સુભદ્રા ચૌધરી વચ્ચે જંગ હતો. 1957ની ચૂંટણી જીતી ચૂકેલા અટલ બિહારીને અગાઉની જીતનો ઉત્સાહ હતો. આ સાથે જ કોંગ્રેસે પણ અગાઉની હારનો બદલો લેવા માટે બે વખત સંસદસભ્ય રહી ચૂકેલા સુભદ્રા જોશીને ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. સુભદ્રા જોશીનું નામ સાંભળીને અટલ બિહારી પણ ચોંકી ગયા હતા. અટલજીના સહયોગી એવા દુલીચંદ્ર કહે છે કે, તેમણે કહ્યું કે બલરામપુરના લોકો સુભદ્રાને એટલા ઓળખતા નથી જેટલા તેઓ મને ઓળખે છે. એટલે મારી જીત પર મને કોઈ જ શંકા નથી અને અટલજીએ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા.

પ્રચારમાં ઉતર્યા બોલિવૂડ એક્ટર બલરાજ સાહની

સુભદ્રા જોશી પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા. અને ભારત-પાકિસ્તાન ભાગલા વખતે તેઓ ભારત આવ્યા અને પછી દિલ્હીમાં સ્થાયી થયા હતા. સુભદ્રા અગાઉ અંબાલા અને કરનાલથી સાંસદ રહી ચૂકી હતી. પરંતુ પંડિત જવાહરલાલ નેહરુના કહેવાથી તે બલરામપુરથી ચૂંટણી લડવા તૈયાર થઈ હતી. સુભદ્રા ઈચ્છતી હતી કે પંડિત નેહરુ પોતે બલરામપુર આવીને તેમના માટે પ્રચાર કરે. પરંતુ નેહરુ અટલ બિહારી વિરુદ્ધ પ્રચાર કરવા નહોતા માંગતા. એટલે આ સ્થિતિમાં તેઓ કોઈ લોકપ્રિય ચહેરાની શોધમાં હતાં. અને તેમા બોલિવૂડ અભિનેતા બલરાજ સાહનીની પસંદગી કરવામાં આવી હતી. 

'દો બીઘા જમીન' થી દેશભરમાં લોકપ્રિય થયા હતા બલરાજ

બલરાજ સાહની ફિલ્મ 'દો બીઘા જમીન' થી દેશભરમાં ખૂબ લોકપ્રિય થયા હતા. આ ફિલ્મમાં તેમણે ગરીબી સામે લડતા શંભુની ભૂમિકા ભજવી હતી. પંડિત નેહરુએ અંદાજો લગાવ્યો કે, લોકો રાજકારણીઓ કરતાં ફિલ્મ સ્ટાર્સને વધુ પસંદ કરે છે. એટલે તેમણે વિચાર્યું કે આવી સ્થિતિમાં જો કોઈ અભિનેતા સુભદ્રા જોશી માટે પ્રચાર કરે તો તેનો મોટો ફાયદો મળી શકે છે. આ વિચાર સાથે પંડિત નેહરુએ બલરાજ સાહની સાથે વાત કરી અને તેમને બલરામપુરમાં કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવાનું કહ્યું હતું. 

સુભદ્રાની સભાઓમાં જોરદાર ભીડ જોવા મળતી

દુલીચંદ આગળ વાત કરતાં કહે છે કે, આવું પહેલીવાર બન્યું હતું કે, ચૂંટણી પ્રચાર માટે કોઈ ફિલ્મ સ્ટારને બોલાવવામાં આવ્યો હોય. બલરામપુરમાં જ્યારે એ વાતની લોકોને ખબર પડી કે, સુભદ્રાના પ્રચાર માટે  બલરાજ સાહની આવી રહ્યા છે, તો તેમની સભાઓમાં ભીડ એકઠી થવા લાગી. જ્યારે સુભદ્રાની સભાઓમાં ભારે ભીડ એકઠી થવા લાગી ત્યારે કોંગ્રેસે બલરાજ સાહનીને મેદાનમાં ઉતાર્યા.

બલરાજ ઝલક મેળવવા ઘરની છત અને બારીઓ ચઢી ગયા હતા

બલરાજ સાહની જ્યારે બલરામપુર પહોંચ્યા ત્યારે તેમને કવિ બેકલ શાહીના ઘરે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં સુભદ્રા જોશી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પ્રચાર માટેની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. બીજા દિવસે સુભદ્રા અને બલરાજ સાહની જીપમાં પ્રચાર માટે નીકળ્યા. બલરાજ જ્યારે બલરામપુરની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે લોકો તેમની એક ઝલક મેળવવા તેમના ઘરની છત અને બારીઓ પર ઉભેલા જોવા મળતા હતા. મુખ્ય રસ્તાઓ પર અને મેદાનમાં એટલી બધી ભીડ હતી કે ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. બલરાજ સાહનીએ સાંજ સુધી જાહેર સભા કરી.

અટલ બિહારીની જીતેલી સીટ હારમાં ફેરવાઈ ગઈ

બલરાજ સાહનીની જાહેરસભા પછી સુભદ્રા જોશીના પક્ષમાં એવો માહોલ ઉભો થયો કે, અટલ બિહારીએ જીતેલી બેઠક હારમાં ફેરવાઈ ગઈ. પ્રચાર પછી જ્યારે ચૂંટણી પરિણામો આવ્યા, ત્યારે અટલ બિહારી વાજપેયી હારી ગયા હતા. સુભદ્રા જોશીએ અટલને માત્ર 2052 મતોથી હરાવ્યા અને તેમણે જીતેલી સીટ તેઓ હારી ગયા હતા. પંડિત નેહરુની આ નવી તરકીબે અટલ બિહારીને હરાવવાનું કામ કર્યું.

અટલજી આ હારને ક્યારેય ભૂલી શક્યા નહીં

પંડિત દીનદયાલ ઉપાધ્યાયના ખૂબ જ આગ્રહ બાદ, અટલ બિહારીને રાજ્યસભામાંથી સંસદમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેઓ આ હારને ક્યારેય ભૂલી શક્યા નહોતા. આ હારનો ઉલ્લેખ તેમણે તેમની પુસ્તક ‘માય પાર્લામેન્ટરી જર્ની’માં પણ કર્યો છે. અટલ સાયકલ અને બળદગાડા પર લોકો વચ્ચે પહોંચતા હતા. અને અટલજી મોટાભાગનો સમય બલરામપુરમાં પસાર કરતા હતા. તેમણે વિચાર્યું પણ ન હતું, કે તેઓ ચૂંટણી હારી શકે છે, પરંતુ બલરાજ સાહનીના પ્રચારના કારણે સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું હતું. 

આ વખતે અટલજીએ સુભદ્રા જોશીને 32,000થી વધુ મતોથી હરાવ્યા

અટલ બિહારી વાજપેયીને આ હારે અંદરથી હચમચાવી દીધા હતા. ચૂંટણી હાર્યા પછી પણ તેઓ બલરામપુર આવતા જ રહ્યા. વર્ષ 1962 પછી ફરી 1967ની લોકસભા ચૂંટણીમાં સુભદ્રા જોશી અને અટલજી બલરામપુરમાં બેઠક પર સામ-સામે આવ્યા. આ વખતે અટલજીએ સુભદ્રા જોશીને 32,000થી વધુ મતોથી હરાવ્યા અને સંસદમાં પહોંચ્યા.



Google NewsGoogle News