0.001% પર ગરબડ થઈ હોય તો સ્વીકારી લો, NEET વિવાદમાં સુપ્રીમ કોર્ટનો એનટીએને કડક નિર્દેશ
NEET UG 2024: NEET UG પરીક્ષા પરિણામ 2024ના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને એનટીએની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે જો કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય, તો તેની સાથે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરી છે અને તેમની મહેનત અમે ભૂલી ના શકીએ.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને એનટીએને કહ્યું કે, 'નીટ-યુજી વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓને તેમનો વિરોધ કરાય છે એ રીતે ના લેતા. જો પરીક્ષા યોજવામાં ભૂલ થઈ હોય તો સ્વીકારો અને તેમાં સુધારા કરો.’નોંધનીય છે કે, આ કેસમાં આગામી સુનાવણી આઠમી જુલાઈએ યોજાશે.
આજે EOUની તપાસ ટીમ આજે દિલ્હી જશે
પટણામાં નીટ પેપર લીકની તપાસ કરી રહેલી બિહાર પોલીસની આર્થિક ગુના શાખા (EOU)ની ટીમ આજે દિલ્હી જશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ઈઓયુની ટીમે એનટીએ પાસે નીટના ઓરિજિનલ પ્રશ્નપત્રો માંગ્યા હતા.
ત્યાર પછી આ ટીમ પટણાથી મળેલા એ બળેલા પેપરની સરખામણી ઓરિજિનલ પ્રશ્નપત્રો સાથે કરશે. આ ટીમે 21મેના રોજ એનટીએને મૂળ પ્રશ્નપત્રો આપવાનું કહ્યું હતું, પરંતુ 28 દિવસ પછીયે એનટીએને તે મળ્યા નથી. એનટીએના આવા વલણ પછી ઈઓયુની ટીમ પોતે એકશનમાં આવીને દિલ્હી જઈને તપાસ કરશે.
Supreme Court issues notice and seeks response from National Testing Agency (NTA) and Centre on pleas relating to alleged paper leaks and malpractices in NEET-UG, 2024.
— ANI (@ANI) June 18, 2024
“If there is 0.001% negligence on the part of anyone it should be thoroughly dealt with,” observes Supreme… pic.twitter.com/k10xSVIVKM
નીટ યુજી 2024 પેપર લીક કેસમાં ઈઓયુ દ્વારા અત્યાર સુધીમાં
ચાર પરીક્ષાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ડીઆઈજી દ્વારા મળતી માહિતી મુજબ બધા આરોપી બિહારના છે.
આ અંગે પૂછપરછ કરતા પટણામાં એક 'સેફ હાઉસ' સામે આવ્યું હતું, જ્યાં પરીક્ષાના એક દિવસ પહેલા 30 થી 35 ઉમેદવારોને જવાબો યાદ રાખવા માટે નીટ પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું.
સેફ હાઉસની તપાસ કરતા ઈઓયુ અધિકારીઓ ત્યાંથી આંશિક રીતે બળી ગયેલા પ્રશ્નપત્ર મળી આવ્યા હતા. આથી તેને ઓરિજિનલ પ્રશ્નપત્ર સાથે સરખાવવા માટે એનટીએ પાસેથી પ્રશ્નપત્રો મંગાવ્યા છે. પરંતુ હજુ સુધી તે મળ્યા નથી. ડીઆઈજીએ કહ્યું કે, 'એનટીએ તરફથી નીટનું પ્રશ્નપત્ર મળ્યા બાદ અમે બળી ગયેલા પ્રશ્નપત્રને યોગ્ય ફોરેન્સિક લેબમાં પરીક્ષણ માટે મોકલીશું.'
તપાસ ટીમે છ પોસ્ટ ડેટેડ ચેક જપ્ત કર્યા
ઈઓયુના ડીઆઈજી માનવજીત સિંહ ધિલ્લોને જણાવ્યું હતું કે, 'તપાસ દરમિયાન, પરીક્ષા પહેલા ઉમેદવારોને કથિત રીતે પ્રશ્નપત્ર વિતરણ કરાયેલા આરોપી દ્વારા જારી કરાયેલા છ પોસ્ટ-ડેટેડ ચેક ઈઓયુ અધિકારીઓ જપ્ત કર્યા છે. આ ચેક દ્વારા સંબંધિત બેંકોમાંથી ખાતાધારકોની માહિતી મેળવવામાં આવી રહી છે.'