NEET રિઝલ્ટ ફરી જાહેર કરાશે કે પરીક્ષા જ ફરી લેવાશે? નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ લીધો નિર્ણય

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
NEET રિઝલ્ટ ફરી જાહેર કરાશે કે પરીક્ષા જ ફરી લેવાશે? નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ લીધો નિર્ણય 1 - image


NEET UG Result: મેડિકલ કોલેજમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET જેવી અઘરી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEETના પરિણામોમાં કથિત અનિયમિતતાઓ બાદ થયેલા હોબાળા અને CBI તપાસની માંગ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. 

તપાસ સમિતિ એક સપ્તાહમાં પોતાનો રિપોર્ટ સોંપશે

આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષણ મંત્રાલયે ગ્રેસ માર્ક્સ કેસની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. જેમાં યુપીએસસીના પૂર્વ અધ્યક્ષની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિ એક સપ્તાહમાં પોતાનો રિપોર્ટ સોંપશે.

એનટીએએ કહ્યું કે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવાથી પરિણામો અથવા લાયકાતના માપદંડોમાં કોઈ ફરક પડ્યો નથી. એનટીએએ પેપર લીકના આરોપોને પણ ફગાવી દીધા હતા. 

સમિતિની ભલામણના આધારે નિર્ણય લેશું 

એનટીએ ડીજી સુબોધ કુમાર સિંહે કહ્યું, 'આ મુદ્દો માત્ર 1600 વિદ્યાર્થીઓનો મુદ્દો છે. જયારે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પેપર આપ્યું હતું. જેમાં 4750 કેન્દ્રોને બદલે માત્ર 6 કેન્દ્રોની વાત છે. આ કમિટી આ અંદાજે 1600 વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્કસ અને ટાઈમ લોસ અંગે તપાસ કરશે. જો જરૂરી હોય તો, તેમના પરિણામો સુધારી શકાય છે. આનાથી NEET પરિણામ પછી MBBS અને BDS સહિતના વિવિધ મેડિકલ અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયાને અસર થશે નહીં. સમિતિ તરફથી જે પણ ભલામણો આવશે, એ પ્રમાણે અમે નિર્ણય લઈશું.'

પ્રોટોકોલ અને સ્ટાન્ડર્ડને વધુ મજબૂત કરવામાં આવશે 

પેપર લીકના આરોપ વિષે અધિકારીઓએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર જે પેપર આવ્યું છે, તે પરીક્ષા શરુ થયા બાદ આવ્યું હતું. જેથી હવે અમે ભવિષ્યમાં અમારા પ્રોટોકોલ અને સ્ટાન્ડર્ડને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરશું જેથી ફરી આવી ભૂલ ન થાય. 

ગ્રેસ માર્કસ આપીને માર્કસ વધારવામાં આવ્યા હતા

પ્રેસ કોન્ફરન્સમાં સુબોધ કુમાર સિંહે કહ્યું, સમયના વેડફાટ મુદ્દે અમારી કમિટીની બેઠક થઇ હતી. તેઓએ કેન્દ્રો અને સીસીટીવીની તમામ વિગતોનો અભ્યાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે કેટલાક કેન્દ્રો પર સમય વેડફાયો હતો હતો, વિદ્યાર્થીઓને આ માટે વળતર મળવું જોઈએ. જેથી તેથી કેટલાક વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપીને તેમના માર્કસ વધારવામાં આવ્યા હતા. જેના કારણે કેટલાક ઉમેદવારોને 718 અને 719 માર્કસ મળ્યા હતા અને 6 ઉમેદવારો ટોપર બન્યા હતા. 

પ્રશ્નપત્રોના ખોટા વિતરણને કારણે આવું બન્યું

સુબોધ કુમાર સિંહે વધુમાં કહ્યું, અમે દરેક વસ્તુનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરીને પરિણામો જાહેર કર્યા છે. 4750 કેન્દ્રોમાંથી, માત્ર 6 કેન્દ્રોમાં જ સમસ્યા છે. તેમજ 23 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 1600 વિદ્યાર્થીઓને જ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં છ કેન્દ્રો પર પ્રશ્નપત્રોના ખોટા વિતરણને કારણે આવું બન્યું હતું. 

સમય ઓછો મળ્યા બાબતે તપાસ થશે 

ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે તેમને સમય ઓછો મળ્યો છે. જેનો અમે હાઇકોર્ટમાં જવાબ આપ્યો છે કે અમે નિષ્ણાતોની ફરિયાદ નિવારણ સમિતિની રચના કરી છે. જે પરીક્ષા કેન્દ્રના અહેવાલો, સીસીટીવી ફૂટેજ અને સમયના વેડફાટની વિગતોની તપાસ કરશે. સમગ્ર દેશમાં આ પરીક્ષાની પારદર્શિતા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી ન હતી. કોઈ પેપર લીક થયું ન હતું. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા ખૂબ જ પારદર્શક હતી.

શું છે આખો મામલો?

NEETમાં 67 વિદ્યાર્થીઓએ 720 માંથી 720 માર્ક્સ મેળવ્યા બાદ અને કટઓફ અચાનક આસમાને પહોંચી ગયા બાદ હજારો વિદ્યાર્થીઓ, વાલીઓ અને કોચિંગ ઓપરેટરો પેપર લીકનો આક્ષેપ કરી રહ્યા છે. 

તાજેતરમાં એનટીએ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા કોંગ્રેસને તાર્કિક ન લગતા આ માળે તેમને ન્યાયિક તપાસની માંગ કરી છે. ઘણા NEET ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે કે NEET પેપર લીક થવાને કારણે તેમના રેન્ક અને માર્ક્સ પર ખરાબ અસર પડી છે. 

ઉમેદવારો સોશિયલ મીડિયા પર NEET Scam, Cancel NEET Exam અને NEET રિઝલ્ટ રિ-રીલીઝ કરવાના હેશટેગ્સ સાથે સતત પોસ્ટ કરી રહ્યા છે. એનટીએનું કહેવું છે કે NCERTની ટેક્સ્ટ બુક અને ગ્રેસ માર્ક્સ આપવાને કારણે ટોપર્સની સંખ્યામાં વધારો થયો છે.

NEET રિઝલ્ટ ફરી જાહેર કરાશે કે પરીક્ષા જ ફરી લેવાશે? નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ લીધો નિર્ણય 2 - image


Google NewsGoogle News