Get The App

NEET કાઉન્સેલિંગ રોકાયું, આજથી પ્રક્રિયા શરૂ થવાની હતી, હવે સુપ્રીમ કોર્ટની સુનાવણીની રાહ જોવાશે

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
NEET કાઉન્સેલિંગ રોકાયું, આજથી પ્રક્રિયા શરૂ થવાની હતી, હવે સુપ્રીમ કોર્ટની સુનાવણીની રાહ જોવાશે 1 - image


NEET UG:  દેશમાં ચર્ચિત નીટ પરીક્ષામો મુદ્દો શમવાનું નામ જ નથી લઈ રહ્યો. નીટ પરીક્ષા મામલે હવે વધુ એક સમાચાર સામે આવ્યા છે. NEET UG કાઉન્સિંલિંગ પ્રક્રિયા આજથી એટલે કે, 6 જુલાઈ 2024થી  શરૂ થવાની હતી. હવે કાઉન્સિંલિંગ પ્રક્રિયા આગળના આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અધિકારીઓ 8 જુલાઈએ NEET UG પર સુપ્રીમ કોર્ટની સુનાવણીની રાહ જોવા માંગે છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અધિકારીઓ 8 જુલાઈએ સર્વોચ્ચ અદાલતમાં થનાર અનેક અરજીઓ પરની સુનાવણી બાદ કોઈ નિર્ણય લેવા ઈચ્છે છે. 5મી મેના રોજ યોજાયેલી NEET UG પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવતી અનેક અરજીઓ હાલ સુપ્રીમ સમક્ષ પેન્ડિંગ છે.

અગાઉ, NEET UG પેપર લીક અને અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને, NEET UG કાઉન્સિંલિંગ પર પ્રતિબંધ મૂકવા માટે પહેલા 11 જૂન અને પછી 20 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. બંને વખત કોર્ટે કાઉન્સિંલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.  બેચે કહ્યું હતું કે અમે આવું નથી કરવા ઈચ્છતા. જો પરીક્ષા ચાલુ રહેશે તો કાઉન્સિંલિંગ પણ ચાલુ રહેવી જોઇએ, ચિંતા ન કરો.

હવે 8મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટની સુનાવણીની રાહ જોવાઈ રહી છે. લગભગ અઢી મહિનાના ઉનાળા વેકેશન બાદ 8મી જુલાઈથી સુપ્રીમ કોર્ટનું સામાન્ય કામકાજ ફરી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન, ઘણા વિદ્યાર્થીઓ અને કોચિંગ સંસ્થાઓએ NEET UG પરિણામ 2024 સામે અરજી કરી છે.

સોમવારે સુપ્રીમમાં ચર્ચા :

દેશની વિવિધ કોર્ટ સમક્ષની કેટલીક અરજીઓમાં અરજદારોએ પેપર લીકનો આક્ષેપ કર્યો છે જ્યારે કેટલાકે સમગ્ર પરીક્ષા રદ કરવા અને મેડિકલ પ્રવેશ પરીક્ષા ફરીથી યોજવા વિનંતી કરી છે. કેટલીક અરજીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની કામગીરીની તપાસની માંગ કરી છે.

મહત્વનું છેકે, NTAએ નિર્ધારિત તારીખ (14 જૂન 2024)ના 10 દિવસ પહેલા 4 જૂનના રોજ NEET UG પરિણામ જાહેર કર્યું હતું. તે જ દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો પણ આવ્યા હતા. 67 ટોપર્સ જાહેર કર્યા બાદ NTA વિવાદમાં આવી હતી. બાદમાં NTAએ ગ્રેસ માર્કસ રદ કર્યા અને 1563 ઉમેદવારો માટે 23 જૂને NEET રી-એક્ઝામ હાથ ધરવામાં આવી હતી. 

NEET UG કાઉન્સિંલિંગ શું છે?

NEET UG કાઉન્સિંલિંગ, નેશનલ મેડિકલ કાઉન્સિંલિંગ (MCC) દ્વારા હાથ ધરવામાં આવે છે. તે ભારતની મેડિકલ કોલેજોમાં MBBS અને BDS અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન કાઉન્સિંલિંગ પ્રક્રિયા છે. આ કાઉન્સિંલિંગ સફળતાપૂર્વક નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે. MCC સેન્ટ્રલ અને ડીમ્ડ યુનિવર્સિટી સહિત ઓલ ઈન્ડિયા ક્વોટા સીટો માટે દર વર્ષે ઓનલાઈન NEET UG કાઉન્સિંલિંગ ના ચાર રાઉન્ડ આયોજિત કરે છે. 

NEET UG કાઉન્સિંલિંગના પાંચ તબક્કામાં નીચે મુજબ છે :

1. રજીસ્ટ્રેશન અને પસંદગી

ઉમેદવારોએ MCCની અધિકૃત વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સફળ નોંધણી બાદ તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો અને ચોઇસ ફિલિંગ ઓપ્શનને ઍક્સેસ કરો. તમે તમારા NEET UG રેન્કના આધારે ઉપલબ્ધ વિકલ્પોમાંથી તમારી પસંદગીની કોલેજો અને અભ્યાસક્રમો પસંદ કરી શકો છો.

2. ચોઇસ લોકિંગ

એકવાર તમે તમારી મરજી મુજબની કોલેજ સિલેક્ટ કરો. ચોઈસ ફિલિંગને લોક કરતા પહેલા તમારી પ્રાથમિકતા ફરી એક વખત ચેક કરી લો.

3. મોક સીટ એલોટમેન્ટ

MCC ઉમેદવારોને સંભવિત સીટ એલોટમેન્ટનો ખ્યાલ આપવા માટે મોક સીટ એલોટમેન્ટ પ્રક્રિયા હાથ ધરશે. આ સ્ટેપ ઉમેદવારોને તેમની તકોનું મૂલ્યાંકન કરવાની અને વાસ્તવિક સીટ ફાળવણી પહેલાં જાણકારીભર્યો નિર્ણય લેવાની મંજૂરી આપે છે. જો જરૂરી હોય તો, ઉમેદવારો મોક સીટ એલોટમેન્ટ પછી તેમની ચોઈસ ફિલિંગમાં ફેરફાર કરી શકે છે. પરિણામોના આધારે, તમે તમારી પસંદગીની બેઠક મેળવવાની તક વધારવા માટે ફેર-સિલેકશન કરી શકો છો. 

4. ફાઇનલ સીટ એલોટમેન્ટ

MCCમાં ભરેલા વિકલ્પો, NEET UG રેન્ક અને સંબંધિત કોલેજોમાં સીટોની ઉપલબ્ધતાના આધારે ફાઇનલ સીટ એલોટમેન્ટ કરશે. એકવાર સીટોની ફાળવણી થઈ જાય, ઉમેદવારો તેમના ફાળવણી પત્રો ડાઉનલોડ કરી શકે છે અને નિયુક્ત સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા સાથે આગળ વધી શકે છે.

5. ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને રિપોર્ટિંગ :

એડમિશન કન્ફર્મ કરવા ઉમેદવારોએ ફાળવેલ કોલેજમાં જાણ કરવાની રહેશે. સીટ એલોટમેન્ટ પછી, ઉમેદવારોએ નિયત ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારોએ ફાળવેલ કોલેજમાં તેમના દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે.

 


Google NewsGoogle News