NEET-UG: CBIએ સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કર્યો, આવતીકાલ સુધી સુનાવણી મોકૂફ
Image : IANS (file pic) |
NEET supreme court hearing: મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UGમાં થયેલી ગેરરીતિઓ નકારણે પરીક્ષા રદ કરી ફરીવાર યોજવાની માગ કરતી અનેક અરજીઓ પર વધુ સુનાવણી આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરશે.
સુનાવણી આવતીકાલ સુધી મોકૂફ રાખી
મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UGના કથિત પેપર લીક કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આજે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં પોતાનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં ફાઈલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે NEET UG કેસની સુનાવણી શુક્રવારે (12 જુલાઈ) એટલે કે આવતીકાલ સુધી મોકૂફ રાખી છે. અરજદારોને કેન્દ્ર અને એનટીએ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર તેમના જવાબો ફાઈલ કરવા માટે સમય આપવામાં આવ્યો છે.
અગાઉ NTAએ એફિડેવિટ ફાઈલ કરી હતી
અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી છે. NTAએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર તૈયાર કરવા માટે કડક સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે છે. ઘણા વિષય નિષ્ણાતોની હાજરીમાં પેપરો તૈયાર કરવામાં આવે છે. તેઓ સીલબંધ કરવમાં રાખવામાં આવે છે. સીસીટીવી કેમેરા હેઠળ પ્રિન્ટીંગ કરવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા હેઠળ અને જીપીએસ ટ્રેકર અને ડીજીટલ લોક સાથે પેપર મોકલવામાં આવે છે.
સીબીઆઈએ કહ્યું - મોટાપાયે પેપર લીક નહીં
એક અહેવાલમાં દાવો કરાયો હતો કે સીબીઆઈએ ટોચની કોર્ટને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે નીટ પેપર લીકની ઘટના સ્થાનિક સ્તરે જ બની હતી. સોશિયલ મીડિયા પર નીટનું પેપર સર્ક્યુલેટ થયું નથી.