પેપર લીકને બનાવ્યો ફેમિલી બિઝનેસ, પટાવાળો બન્યો સરપંચ, NEETના માસ્ટરમાઈન્ડની 'ક્રાઈમ કુંડળી'
NEET Paper Leak Case: દેશમાં છેલ્લા નવ દિવસમાં ત્રણ મોટી પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી અથવા મોકૂફ રાખવામાં આવી હતી. પ્રથમ નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (NCET) પરીક્ષા રદ કરવામાં આવી હતી કારણ કે વિદ્યાર્થીઓ દોઢ કલાક સુધી લોગ ઈન કરી શક્યા ન હતા. UGC-NET પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ત્યારબાદ CSIR-UGCNET પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. એટલે કે બે પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી અને એક મોકૂફ રાખવામાં આવી હતી. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે NEET પરીક્ષા કેમ રદ કરવામાં નથી આવતી? NEET પેપર લીક કેસની તપાસ જેમ જેમ વેગ પકડી રહી છે, તેમ તેમ આરોપીઓની વિગતો સામે આવી રહી છે. ત્યારે અહીં નીટ પેપર લીકના માસ્ટરમાઇન્ડ સંજીવ મુખિયાની ક્રાઈમ કુંડળી વિશે જાણીશું...
કોણ છે સંજીવ મુખિયા ઉર્ફે લુટન?
NEET પેપર લીકને લઈને દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે. આ એક એવી પરીક્ષા છે જેમાં પાસ થનારા લોકો ડોક્ટર બને છે અને લોકોની સારવાર કરે છે. પરંતુ એ વાતનો ડર છે કે, જે લોકો પૈસા આપીને ડોક્ટર બને છે, તેમની પાસે સારવાર કરાવવી એ જીવ જોખમ છે. આવા લોકો માટે NEETનું પેપર લીક કરનાર માસ્ટરમાઈન્ડ સંજીવ મુખિયા પોલીસના રડારમાંથી બહાર છે. તે બિહારના નાલંદા જિલ્લાનો રહેવાસી છે. જ્યારે તપાસ ટીમ તેના ગામ પહોંચી તો જણાવ્યું કે માત્ર સંજીવ મુખિયા જ નહીં પરંતુ તેનો પુત્ર પણ પેપર લીક સામેલ છે.
બંને પિતા-પુત્ર લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. અહેવાલો અનુસાર, સંજીવ મુખિયાએ કાળી કમાણીના આધારે પોતાની રાજકીય ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પત્ની મમતા કુમારીને વિધાનસભાની ચૂંટણી લડાવી હતી. તે ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગઈ હતી.
સંજીવ મુખિયા પટાવાળામાંથી બન્યો સરપંચ
સંજીવ મુખિયા ઉર્ફે લુટન અને તેના પુત્ર શિવ કુમાર પર NEET પરીક્ષાનું પેપર લીક કરવાનો આરોપ છે. સંજીવ મુખિયા પહેલા પટાવાળો હતો. ત્યારબાદ તેણે રાજકારણમાં એન્ટ્રી કરી અને ગ્રામ પંચાયતમાં સરપંચ બન્યો હતો. શરૂઆતમાં લોકોના નાના-મોટા કામા કરાવતો સંજીવ ક્યારે પેપર લીક માફિયા બની ગયો અને કેવી રીતે પેપર લીક કરીને તેણે ફેમિલી બિઝનેસ બનાવી દીધો હતો.
સંજીવે અનેક પરીક્ષાઓના પેપર લીક કરી કર્યા
બિહાર પોલીસ સંજીવ મુખિયાને શોધી રહી છે. તેના પુત્ર શિવ કુમારે પટના મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું છે. બિહાર પોલીસે તેની બે કેસમાં ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે સંજીવ મુખિયા NEET પેપર લીક કેસમાં માસ્ટર માઇન્ડ અને કિંગપિન છે. BPSC પેપર લીક કેસમાં શિવ કુમાર પહેલાથી જ જેલમાં છે. 2016માં યોજાયેલી કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં પણ સંજીવ મુખિયાનું નામ સામે આવ્યું હતું. બિહાર પબ્લિક સર્વિસ કમિશન સહિત અન્ય કેટલીક પરીક્ષાઓના પેપર લીક કેસમાં તેમની ભૂમિકા જોવા મળી છે. સંજીવ આ પહેલા પણ જેલમાં જઈ ચૂક્યો છે, પરંતુ તેને જલ્દી જામીન મળી જતા હતા.
EOU તપાસ ચાલુ છે
શનિવારે (22મી જૂન) EOUએ ફરી એકવાર તેજસ્વી યાદવના પીએસ પ્રિતમે કુમારને તપાસ માટે બોલાવ્યા છે. સરકારી ગેસ્ટ હાઉસના બુકિંગના મામલે પિતમનું નામ સામે આવ્યું હતું. જેલમાં બંધ અનુરાગ માટે ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરાવવામાં આવ્યું હતું. બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ આરોપ લગાવ્યો હતો કે આ બુકિંગ પ્રિતમ કુમારના કહેવા પર કરવામાં આવ્યું હતું.