માસ્ટરમાઈન્ડ સિકંદર માટે તેજસ્વીના PAએ બુક કર્યો હતો રૂમ, NEET પેપર કૌભાંડમાં ડે. સીએમનો દાવો
NEET Paper Leak Case: NEET પેપર લીકનો મુદ્દો હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હવે આ મામલે મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ દાવો કર્યો છે કે, 'પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના પીએસ પ્રિતમે NEET પેપર લીકના માસ્ટરમાઈન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો.'
નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ ચોંકાવનારો દાવો કર્યો
પત્રકાર પરિષદમાં બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ જણાવ્યું હતું કે, 'NEET પેપર લીક મામલે વિભાગીય તપાસ હાથ ધરી છે. અમને માહિતી મળી છે કે, પહેલી મેના રોજ તેજસ્વી યાદવના પીએસ પ્રિતમ કુમારે આરસીડી કર્મચારી પ્રદીપને એનએચએઆઈ ગેસ્ટ હાઉસમાં સિકંદર કુમાર માટે રૂમ બુક કરાવવા માટે ફોન કર્યો હતો.'
બિહારના નાયબ વિજય સિન્હાએ વધુમાં જણાવ્યું કે, 'ગેસ્ટ હાઉસનો નિયમ છે કે ત્રણ દિવસ માટે ત્રણ રૂમ બુક કરાવી શકાય છે. આનાથી વધુ રૂમ બુક કરવાની મંજૂરી એનએચએઆઈ પાસે છે. જો સીબીઆઈ આ મામલે પ્રિતમ કુમાર અને તેજસ્વીની પૂછપરછ કરે તો સ્પષ્ટ થશે કે પેપર લીકમાં કોણ કોણ સામેલ છે.'
કોણ છે પેપર લીક માસ્ટરમાઈન્ડ' સિકંદર પ્રસાદ યાદવેન્દુ?
NEET પેપર લીક કેસમાં બિહાર પોલીસને સિકંદર પ્રસાદ યાદવેન્દુની ધરપકડ કરી હતી. આરોપીઓએ ઘણાં સેન્ટર અને સેફ હાઉસમાં પેપર સોલ કરનારાઓને બેસાડ્યા હતા. તેમની પાસે પહેલાથી જ પ્રશ્નપત્રો હતા. અખિલેશ અને બિટ્ટુ સાથે જુનિયર એન્જિનિયર સિકંદર પ્રસાદ યાદવેન્દુની પોલીસે ધરપકડ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે જુનિયર એન્જિનિયર સિકંદરે પેપર લીક કરવાનું સમગ્ર કાવતરું ઘડ્યું હતું. તેમની પાસેથી ઘણાં NEET એડમિટ કાર્ડ મળી આવ્યા હતા. NEET પેપર લીક કેસના માસ્ટરમાઈન્ડ સિકંદર યાદવેન્દુએ કબૂલાત કરી છે કે તે અમિત આનંદને મળ્યો હતો. અમિત આનંદ NEET-BPSC-UPSE પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરે છે અને વિદ્યાર્થીઓને આપે છે. આ માટે 30-32 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.