NEET ની પરીક્ષાનું પેપર લીક થયું, ધરપકડ કરાયેલા 4 વિદ્યાર્થીઓની પોલીસ સામે કબૂલાત

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
protest against alleged irregularities in the NEET examination results


NEET Paper leak news | NEET પેપર લીકનો મુદ્દો હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હવે આ મામલે એક મોટો ખુલાસો થયો છે. આ કેસમાં ચાર આરોપીઓનું કબૂલાતનામું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે NEET પરીક્ષાના વિવાદ વચ્ચે NET ની પરીક્ષા રદ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે ગઈ કાલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત UGC-NET પરીક્ષા (UGC NET 2024)ને રદ કરવાનો આદેશ આપ્યો હતો અને તપાસ માટે આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવ્યો હતો. તો ચાલો જાણીએ આ કેસમાં ચારેય આરોપીઓએ પોતાની કબૂલાતમાં શું ખુલાસો કર્યો.

આરોપીએ કબૂલાતમાં શું કહ્યું?

આ કેસના આરોપી અનુરાગ યાદવે જણાવ્યું કે હું કોટાના એલન કોચિંગ સેન્ટરમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. મારા ફુઆ જુનિયર એન્જિનિયર તરીકે કામ કરે છે. એક દિવસ મારા ફુઆએ મને કહ્યું કે NEET ની પરીક્ષા 05.05.24 ના રોજ છે, તું કોટાથી પાછો આવી જા. પરીક્ષા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જે બાદ તેમના કહેવા પર હું કોટાથી પાછો આવ્યો. મારા ફુઆ મને 04.05.24ની રાત્રે અમિત આનંદ અને નીતીશ કુમાર સાથે છોડી ગયા. જ્યાં NEET પરીક્ષાનું પ્રશ્નપત્ર અને ઉત્તરવહી આપવામાં આવી હતી. જ્યાં રાત્રે જ મને પરીક્ષામાં પૂછાનારા પ્રશ્નોની તૈયારીઓ કરાવાઈ. મારું કેન્દ્ર ડી.વાય.પાટીલ સ્કૂલમાં હતું અને જ્યારે હું પરીક્ષા આપવા માટે સ્કૂલમાં ગયો ત્યારે પ્રશ્નપત્ર સંપૂર્ણ રીતે કંઠસ્થ હતું. મને પરીક્ષામાં એવા જ પ્રશ્નો દેખાયા જે મે રાતે યાદ કર્યા હતા. પરીક્ષા બાદ અચાનક પોલીસ આવી અને મને પકડી લીધો, ત્યારબાદ મેં મારો ગુનો કબૂલ કર્યો. આ જ મારું નિવેદન છે. 

સિકંદરે ચોંકાવનારા ખુલાસા કર્યા

સિકંદર પ્રસાદ યાદવેન્દુ બિહારની દાનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં જૂનિયર એન્જિનિયર છે. તેણે તાજેતરમાં તેની કબૂલાત નોંધમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. સિકંદરે કહ્યું કે મેં NEETના ચાર પરીક્ષાર્થી આયુષ રાજ, શિવાનંદન કુમાર, અભિષેક કુમાર અને અનુરાગ યાદવને પટનામાં રહેવામાં મદદ કરી હતી. અનુરાગ મારો ભત્રીજો હતો. તે તેની માતા રીના કુમારી સાથે પટના આવ્યો હતો. યાદવેન્દુએ કહ્યું કે તે એવા રેકેટના સંપર્કમાં હતો, જેણે માત્ર NEET જ નહીં પરંતુ બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક કર્યા હતા. આ ઉપરાંત ઉમેદવારો જ્યાં રોકાયા હતા તે ગેસ્ટ હાઉસના બિલ પણ મેળવી લેવાયા છે. ગેસ્ટ હાઉસની બિલ બુકમાં એક 'મંત્રીજી'નો પણ ઉલ્લેખ છે કે જેમણે અનુરાગ યાદવ અને તેમના સહયોગીઓને રહેવાની સુવિધા આપી હતી. 

NEET ની પરીક્ષાનું પેપર લીક થયું, ધરપકડ કરાયેલા 4 વિદ્યાર્થીઓની પોલીસ સામે કબૂલાત 2 - image


Google NewsGoogle News