એનડીએની હેટ્રિક પણ ભાજપને બહુમતી નહીં
- નરેન્દ્ર મોદીએ રાજકીય કારકિર્દીમાં પહેલી વખત ગઠબંધન સરકારના ભરોસે રહેવું પડશે : એનડીએને 291 બેઠક
- પહેલી વખત ઓડિશામાં ભાજપ સરકાર : કેરળમાં ખાતુ ખોલ્યું, તમિલનાડુમાં વોટશેર વધીને 11.10 ટકા : કોંગ્રેસને 99, સપાને 37, ટીએમસીને 29, ડીએમકેને 22 બેઠકો
- ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહારમાં બેઠકો ઘટતાં ભાજપ 240માં સમેટાયો
- વારાણસીમાં મોદીનો દોઢ લાખ મતે જ્યારે રાહુલનો રાયબરેલીમાં ચાર લાખ મતે વિજય
નવી દિલ્હી : રામ મંદિર, મોદી લહેર, હિન્દુત્વ, વિકસિત ભારત જેવા મુદ્દાઓ સાથે '૪૦૦ પાર'નો નારો લઈને સતત ત્રીજી વખત જંગી બહુમતીથી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીતવા નીકળેલા ભાજપ માટે મંગળવારે પરિણામો આઘાતજનક રહ્યા છે. હિન્દી પટ્ટામાં ભાજપે પછડાટ ખાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત ગઠબંધન સરકારના ભરોસે રહેવું પડશે. આ ચૂંટણીએ પીએમ મોદીની લોકપ્રિયતા સામે સવાલ ઊભા કરી દીધા છે. ગયા વર્ષે નવેમ્બરમાં હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં જંગી વિજય પછી ૨૦૧૯માં એકલા હાથે ૩૦૩ બેઠકો જીતનારા ભાજપને આ વખતે ૨૫૦નો આંક પાર કરવામાં પણ ફાંફા પડી ગયા હતા, જેના પગલે એનડીએ ૨૯૧ બેઠકોમાં સમેટાઈ જવું પડયું હતું. જોકે, મંગળવારના પરિણામોએ એનડીએ સરકારની હેટ્રિક નિશ્ચિત કરી દીધી છે, પરંતુ ભાજપને બહુમતી મળી નથી એ પણ સ્પષ્ટ કરી દીધું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશ-વિદેશમાં અભૂતપૂર્વ લોકપ્રિયતા સાથે ૪૦૦થી વધુ બેઠકો જીતવાની આશા રાખનારો ભાજપ ૫૪૩ બેઠકની લોકસભામાં ૨૪૦ બેઠક પર વિજય સાથે સૌથી વધુ બેઠકો જીતનારા એકમાત્ર પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. જોકે, ૨૦૧૯માં નવ રાજ્યોમાં ક્લિન સ્વીપ કરનાર ભાજપ આ વખતે મધ્ય પ્રદેશ (૨૯ બેઠક), દિલ્હી (૭ બેઠક), ઉત્તરાખંડ (૫ બેઠક) હિમાચલ પ્રદેશ (૪ બેઠક) અને ત્રિપુરા (૨ બેઠક) એમ પાંચ રાજ્યોમાં જ ક્લિન સ્વિપ કરી શકી હતી. જોકે, ભાજપના ગઢ કહેવાતા ગુજરાત અને રાજસ્થાનમાં પક્ષે સતત ત્રીજા વર્ષે ક્લિન સ્વિપની તક ગુમાવી છે. ભાજપે આ વખતે ૦.૭૩ ટકા વોટશૅર ગુમાવતા ૨૦૧૯ની સરખામણીમાં ૬૩ જેટલી બેઠકો ગુમાવી છે.
ભાજપના મહત્વપૂર્ણ સાથીઓ ચંદ્રબાબુ નાયડુના ટીડીપીએ ૧૬ અને નીતિશ કુમારના જદ-યુએ ૧૨ બેઠકો જીતતા ભાજપે બહુમતી ગુમાવવા છતાં એનડીએની સત્તા પર હેટ્રિક નિશ્ચિત થઈ ગઈ છે. ટીડીપીએ લોકસભામાં ૧૬ બેઠકો જીતવા સાથે ૧૭૫ સભ્યોની વિધાનસભામાં ૧૩૫ બેઠકો જીતીને રાજ્યમાં પણ સત્તામાં પુનરાગમન કર્યું છે. ટીડીપી અને જેડી-યુના સાથથી ૭૩ વર્ષીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત ગઠબંધન સરકાર બનાવવી પડશે. લોકસભામાં ભાજપને પછડાટ છતાં તેના માટે રાહતની વાત એ છે કે ઓડિશામાં નવીન પટનાયક સરકારને ઉથલાવીને પહેલી વખત રાજ્યમાં સરકાર બનાવી રહ્યો છે. ઓડિશામાં વિધાનસભાની સાથે લોકસભામાં પણ ભાજપે ૨૧માંથી ૧૯ બેઠકો સાથે જંગી વિજય મેળવ્યો છે. આમ, ભાજપને ઉત્તરમાં થયેલા નુકસાન સામે દક્ષિણમાં ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ફાયદો થયો છે.
ભાજપે ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં અભૂતપૂર્વ બહુમતી મેળવી હતી ત્યારે તેના વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ઉત્તર પ્રદેશે આ વખતે પક્ષને પછાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. દેશની સૌથી વધુ ૮૦ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં ભાજપ ૩૩ બેઠકો સુધી સિમિત થઈ ગયો હતો જ્યારે આ રાજ્યમાં ૨૦૧૪માં તેણે ૭૨ અને ૨૦૧૯માં ૬૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો. જોકે, આ વખતે રાજ્યમાં મુખ્ય વિપક્ષ સમાજવાદી પક્ષ સૌથી વધુ ૩૭ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે.
ભાજપની પીછેહઠના પગલે દેશમાં વિપક્ષ મજબૂત બન્યો છે. કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધન ૨૩૪ બેઠકો જીત્યો છે, જેમાં કોંગ્રેસ ૯૯ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. કોંગ્રેસને અખિલેશ યાદવના સપા ઉપરાંત બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (૨૯), તમિલનાડુમાં ડીએમકે (૨૨)નો સાથ મળતાં વિપક્ષી ગઠબંધન વધુ મજબૂત બન્યું છે. ભાજપને એકલા હાથે ૨૭૨નો આંક પાર કરતા રોકવામાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળે મહત્વની ભૂમિકા ભજવી છે.