NDA ગઠબંધનમાં ઝારખંડ માટે બેઠક વહેંચણી પર સંમતિ સધાઈ, જાણો કોને કેટલી બેઠક મળી
Jharkhand Election: ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને NDAમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) 10 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે જેડીયુને 2 બેઠકો આપવામાં આવી છે. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીને ચતરાની બેઠક આપવામાં આવી છે. તો ભાજપ બાકીની 68 બેઠકો પર ચૂંટણી લડશે.
ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરાશે
કેન્દ્રીય મંત્રી અને ઝારખંડ માટે ભાજપના ચૂંટણી પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, 'ભાજપ, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU), જનતા દળ (યુનાઈટેડ) અને લોક જનશક્તિ પાર્ટી (LJP) ઝારખંડમાં સાથે મળીને ચૂંટણી લડશે. પણ સમજૂતી થઈ છે. બેઠકોની વહેંચણી પર તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.'
આ પણ વાંચો: સદગુરુના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, બળજબરીથી છોકરીઓને રાખવાનો કેસ રદ
આસામના મુખ્યમંત્રી અને ઝારખંડ ભાજપના ચૂંટણી સહ પ્રભારી હેમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતુ કે, 'ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડવામાં આવશે. ભાજપ 68 બેઠકો પર ચૂંટણી લડશે અને AJSUને 10 બેઠકો આપવામાં આવી છે.'
આ 10 બેઠકો પર એજેએસયુ ચૂંટણી લડશે
ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) સિલ્લી, રામગઢ, ગુમિયા, ઈચાગઢ, માંડુ, જુગસલિયા, ડુમરી, પાકુર, લોહરદગા અને મનોહરપુર પર ચૂંટણી લડશે. જેડીયુ જમશેદપુર પશ્ચિમ અને તમાડ બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે એલજેપી ચતરાથી બેઠક પર ચૂંટણી લડશે.
બે તબક્કામાં મતદાન થશે
ઝારખંડમાં બે તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કામાં 13મી નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે અને બીજા તબક્કામાં 20મી નવેમ્બરે 38 બેઠકો પર મતદાન થશે. આ પછી 23મી નવેમ્બરે મતગણતરી થશે. ચૂંટણી પંચ અનુસાર, ઝારખંડમાં કુલ મતદારોની સંખ્યા 2,55,18,642 છે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,29,97,325 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 1,25,20,910 છે.