Get The App

ઉપરાષ્ટ્રપતિના અપમાન પર એક કલાક સુધી સંસદમાં ઉભા રહેશે સત્તા પક્ષના સાંસદ, વિપક્ષ પર NDAનો પ્રહાર

TMC નેતા કલ્યાણ બેનર્જી વિરૂદ્ધ NDA કરશે વિરોધ પ્રદર્શન

મને મારી કોઈ ચિંતા નથી, પણ મારી આ ખુરશીનું અપમાન કરાયુંઃ ઉપરાષ્ટ્રપતિ

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
ઉપરાષ્ટ્રપતિના અપમાન પર એક કલાક સુધી સંસદમાં ઉભા રહેશે સત્તા પક્ષના સાંસદ, વિપક્ષ પર NDAનો પ્રહાર 1 - image

ઉપરાષ્ટ્રપતિના ઉપમાન પર ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધને મોટો નિર્ણય લીધો છે. TMC નેતા કલ્યાણ બેનર્જી વિરૂદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જગદીપ ધનઘડના સન્માનમાં ભાજપના સભ્યો રાજ્યસભાની કાર્યવાહીમાં એક કલાક સુધી ઉભા રહીને ભાગ લેશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તેને ખેડૂતો, જાટ સમાજનું અપમાન ગણાવ્યું છે. વિપક્ષે પહેલા વડાપ્રધાનનું અપમાન કર્યું. હવે ઉપરાષ્ટ્રપતિનું અપમાન કર્યું. ઉપરાષ્ટ્રપતિનું અપમાન હિન્દુસ્તાન નહીં સહે. હું આ ઘટનાની આકરી નિંદા કરું છું. આ લોકો બંધારણિય પદ પર બેઠેલા લોકોને અપમાનિત કરે છે. પહેરીવાર જાટ સમાજના ખેડૂત પુત્રને આ મોટું બંધારણિય પદ મળ્યું છે.

મને મારી કોઈ ચિંતા નથી, પણ મારી આ ખુરશીનું અપમાન કરાયુંઃ ઉપરાષ્ટ્રપતિ

શિયાળુ સત્રથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં ધરણા કર્યા હતા. આ દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. જેના પર વિપક્ષી સાંસદો હસી પડ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ આ દરમિયાન પોતાના ફોનમાં ટીએમસી સાંસદનો વીડિયો બનાવ્યો હતો. આ વ્યવહારને ઉપરાષ્ટ્રપતિએ શરમજનક ગણાવતા તેની ટિકા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, મને મારી કોઈ ચિંતા નથી, હું આ સહન કરી શકું છું. પરંતુ ખુરશીનું અપમાન સહન નહીં કરું. આ ખુરશીની ગરિમા યથાવત્ રાખવાની જવાબદારી મારી છે. મારી જાતિ, મારી પૃષ્ઠભૂમિ, આ ખુરશીનું અપમાન કરાયું છે.

મિમિક્રી કરવી એક કળા છેઃ TMC નેતા કલ્યાણ બેનર્જી

TMC નેતા કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિ ધનખડની નકલ કરવા પર સ્પષ્ટતા કરી છે. કલ્યાણ મુખર્જીએ કહ્યું કે, મારા મનમાં ઉપરાષ્ટ્રપતિનું ખુબ સન્માન છે. મિમિક્રી કરવી એક કળા છે. વડાપ્રધાને પણ મિમિક્રી કરી હતી. મારો ઈરાદો દુઃખ પહોંચાડવાનો ન હતો. માફી માંગવાના સવાલ પર તેમણે 'NO' કહ્યું છે. 

સાંસદોના વ્યવહાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું

સંસદ પરિસરમાં જે રીતે ઉપરાષ્ટ્રપતિને અપમાનિત કરવામાં આવ્યા તે ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું, સંસદ પરિસરમાં આપણા આદરણીય ઉપરાષ્ટ્રપતિને જે રીતે અપમાનિત કરવામાં આવ્યા તે જોઈને હું નિરાશ છું.

શું છે સમગ્ર ઘટના?

સંસદના શિયાળુ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કરવાનો વિવાદ વકરી રહ્યો છે. સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદ સંકુલમાં જ ધરણા પર બેઠા છે. આ સમયે એનડીએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી વખતે તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનરજીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ ઉતારી મિમિક્રી કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે, આ હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે કે એક સાંસદ રાજ્યસભાના અધ્યક્ષની મજાક ઊડાવી રહ્યા છે અને બીજા સાંસદ આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા છે. વિપક્ષના નેતાઓના પતનની કોઈ હદ નથી. મેં એક વીડિયો જોયો છે. ટીવી પર એક મોટા નેતા વિડીયો બનાવી રહ્યા હતા જ્યારે બીજા સાંસદ નકલ કરી રહ્યા હતા. ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારની મજાક ઉડાવીને સાંસદોએ મારું અપમાન કર્યું છે. મારી કૃષિ પૃષ્ઠભૂમિ, મારા પદની મજાક ઊડાવી છે.

સંસદમાંથી અત્યાર સુધીમાં 141 સાંસદો સસ્પેન્ડ

સંસદમાં સૂરક્ષા ચૂક પર હંગામા બાદ અત્યાર સુધીમાં 141 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સસ્પેન્ડ સાંસદોમાં લોકસભાના 95 અને રાજ્યસભાના 46 સાંસદો સામેલ છે. 


Google NewsGoogle News