ઇઝરાયલ મુદ્દે NDAમાં બબાલ, મજબૂત સાથીનો વિપક્ષને ટેકો, આ માગ કરી ભાજપની મુશ્કેલી વધારી
NDA Divided Cver Israel Hamas War: મોદી સરકારના સહયોગી જેડીયુએ ઈઝરાયલને લઈને વિપક્ષ સાથે જોડાણ કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીનું સમર્થન કરતા JDUના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, 'કેન્દ્ર સરકારે ઈઝરાયલને આપવામાં આવતી મદદ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. ભારત સરકાર ઈઝરાયલને હથિયારો સપ્લાય કરી રહી છે જેના લીધે નિર્દોષ પેલેસ્ટાઈનીઓને મારી રહ્યા છે, આ તાત્કાલિક બંધ થવું જોઈએ. ભારત પેલેસ્ટાઈનીઓના નરસંહારમાં ઈઝરાયેલનું સમર્થન કરી શકે નહીં.'
દિલ્હી ખાતે યોજાઈ બેઠક
નવી દિલ્હીમાં અલ ગુદ્સના મહાસચિવ મોહમ્મદ મકરમ બલાવી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેડીયુના મહાસચિવ કેસી ત્યાગી અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જાવેદ અલી ખાને પણ ભાગ લીધો હતો. ત્યાગી અને ખાન ઉપરાંત, સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ મોહિબુલ્લા નદવી અને પૂર્વ સાંસદ મોહમ્મદ અદીબ, આમ આદમી પાર્ટીના સાંસદો સંજય સિંહ, પંકજ પુષ્કર, કોંગ્રેસના પ્રવક્તા મીમ અફઝલ અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ કુંવર દાનિશ અલીએ પણ નિવેદન પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પણ વાંચો: મિસ ઈન્ડિયામાં કોઈ આદિવાસી, દલિત, ઓબીસી મહિલા નથી : રાહુલ
નિવેદનમાં શું કહેવામાં આવ્યું છે?
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે પેલેસ્ટાઈનીઓ પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચાર અને નરસંહારની નિંદા કરીએ છીએ. આ પ્રકારનો ત્રાસ માનવતા વિરુદ્ધ છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પણ ઉલ્લંઘન કરે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવે છે કે તે ઇઝરાયલને હથિયારોની સપ્લાય બંધ કરે. એક રાષ્ટ્ર તરીકે આપણે હંમેશા માનવતાની હિમાયત કરીએ છીએ અને આ રીતે નરસંહાર કરી શકીએ નહીં.'
મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ઉદાહરણ આપતાં કહેવામાં આવ્યું હતું કે અમે તે દેશોમાં સામેલ હતા જેમણે 1988માં પેલેસ્ટાઈનને સૌથી પહેલા માન્યતા આપી હતી. આવી સ્થિતિમાં પેલેસ્ટાઈનના સ્વાભિમાન, સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાની રક્ષા કરવી આપણી ફરજ છે. અમે આ મુશ્કેલ સમયમાં પેલેસ્ટાઈનની સાથે ઉભા છીએ. શાંતિનો માર્ગ શોધવો એ આપણી ફરજ છે.
આ પણ વાંચો: કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા ફરી ઓપરેશન કમળ, આ રાજ્યમાં 100 કરોડની ઓફર કરાયાનો દાવો
હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલાથી તબાહી મચી હતી
ઓક્ટોબરમાં હમાસે ઈઝરાયલ પર હુમલો કરીને લગભગ 1200 લોકોની હત્યા કરી હતી. ત્યારથી ઇઝરાયલ ગાઝામાં તબાહી મચાવી રહ્યું છે. આ મામલે ભારતનું વલણ એકદમ સંતુલિત રહ્યું છે. ભારતે પણ હમાસની નિંદા કરી છે અને માનવ અધિકારોને ટાંકીને ગાઝામાં થઈ રહેલા નરસંહારની ટીકા કરી છે. ભારતે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાનથી પોતાને દૂર રાખ્યા હતા.