‘લોકસભા ચૂંટણીમાં અમારી સાથે અન્યાય થયો’: NDAમાં સામેલ પાર્ટીએ વધાર્યું ભાજપનું ટેન્શન
Pashupati Paras On NDA: લોકસભા ચૂંટણી બાદ NDA ગઠબંધનમાં આંતરીક અસંતોષ જોવા મળી રહ્યો છે. વારંવાર ગઠબંધનના સહયોગી પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતાં હોય છે. હવે પૂર્વ કેન્દ્રીય પ્રધાન પશુપતિ પારસે ભાજપ વિરૂદ્ધ પોતાનું અંસતોષ વ્યક્ત કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન તેમની પાર્ટી રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) સાથે અન્યાયી વર્તન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તેમણે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. બિહારમાં એનડીએના સાથી પક્ષો વચ્ચે બેઠકની વહેંચણીમાં રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીને એક પણ સીટ આપવામાં આવી ન હોવાના કારણે નારાજ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
'અમે અમારી વફાદારી બદલી નથી'
પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટીમાં વિભાજન થયા બાદ લોક જનશક્તિ પાર્ટી રાષ્ટ્રીય અસ્તિત્વમાં આવી હતી. પશુપતિ પારસે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં અમને ખરાબ લાગ્યું હોવા છતાં અમે અમારી વફાદારી નથી બદલી. તેમણે કહ્યું કે અમને આશા છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડા આ વાતને સમજશે અને આવતા વર્ષે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં અમને યોગ્ય પ્રતિનિધિત્વ આપશે.
આગામી વિધાનસભા અંગે પશુપતિ પારસની યોજના
પશુપતિ પારસે એમ પણ કહ્યું કે જો તેમની પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં યોગ્ય સન્માન નહીં મળે તો તેમની પાર્ટી તમામ 243 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે આરએલજેપી એનડીએ તરફથી ચાર વિધાનસભા બેઠકોમાંથી એક પર ચૂંટણી લડવા માંગે છે જ્યાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. સંબંધિત ધારાસભ્યો લોકસભામાં ચૂંટાયા બાદ આ બેઠકો ખાલી પડી છે. ઉલ્લેખનિય છે કે, બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને હવે તે પહેલા પશુપતિ પારસ સક્રિય થઈ ગયા છે અને તેમણે રાજ્યમાં RLJP મુખ્યાલયમાં બેઠક આયોજિત કરી હતી, જેમાં પાર્ટીના તમામ અધિકારીઓ, સેલના પ્રમુખો અને જિલ્લા પ્રમુખોએ હાજરી આપી હતી. આ સિવાય પાર્ટીના તમામ બ્લોક પ્રમુખો, પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યોએ પણ બેઠકમાં હાજરી આપી હતી.