વિપક્ષનું ટેન્શન વધ્યું, માત્ર નેતાઓ જ નહીં, ઘણાં પક્ષો પણ NDAમાં જોડાવાની તૈયારીમાં, જુઓ યાદી
આંધ્રપ્રદેશની TDP અને ઓડિશાની BJDની પણ ભાજપમાં જોડાવાની અટકળો
પંજાબ, તેલંગણા, યુપી, હિમાચલ, કેરળમાં પણ રાજકીય ઉથલપાથલ સર્જાવાની ચર્ચા
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ દેશભરના રાજકારણમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. વિવિધ પક્ષો ઉમેદવારોના નામ જાહેર કરવા ઉપરાંત નારાજ નેતાઓને મનાવવાનું, ગઠબંધનનું ગણિત સેટ કરવાનું અને જૂના પક્ષો સાથે ફરી મિત્રતા કરી પોતાની તાકાત વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને નેતાઓએ તાજેતરમાં જ પક્ષ પલટો કરી લીધો છે. તો હવે આંધ્રપ્રદેશ અને તેલંગણાના રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળવાના અહેવાલો મળી રહ્યા છે. આ બંને રાજ્યોના બે દિગ્ગજ પક્ષો NDAમાં સામેલ થવાના હોવાના અહેવાલો સામે આવ્યા છે.
બે દિગ્ગજ પક્ષો એનડીએમાં સામેલ થવાની તૈયારીમાં
બિહારમાં નીતીશ કુમારની JDU, ઉત્તર પ્રદેશમાં જયંત ચૌધરીની RLD, કર્ણાટકમાં એચડી દેવેગૌડાની JDS એનડીએમાં પરત ફર્યા બાદ હવે આંધ્રપ્રદેશ અને ઓડિશાના બે દિગ્ગજ પક્ષો NDAનો સાથ પકડવાની તૈયારીમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે. આંધ્રપ્રદેશમાંથી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની તેલગુદેશમ પાર્ટી (TDP) અને ઓડિશામાંથી સત્તાધારી નવીન પટનાયકના નેતૃત્વ હેઠળની બીજૂ જનતા દળ (BJD) એનડીએમાં સામેલ થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપ અને બીજેડી વચ્ચે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
TDP અને BJD ભાજપમાં જોડાવાની અટકળો
વડાપ્રધાન મોદી (PM Narendra Modi) તાજેતરમાં જ ઓડિશાની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમના અને નવીન પટનાયક (Naveen Patnaik) વચ્ચે સારા સંબંધો જોવા મળ્યા હતા. બંને નેતાઓએ એકબીજાના ભરપુર વખાણ કર્યા હતા. હવે BJP અને બીજેડી ગઠબંધનની માત્ર ઔપચારિક જાહેરાત કરવાની બાકી હોવાનું કહેવાય છે. જ્યારે ચંદ્રબાબુ નાયડુ (N. Chandrababu Naidu) 7 માર્ચે દિલ્હી જઈ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરવાના છે. આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી (Assembly Election) યોજાવાની છે અને ટીડીપી વહેલીતકે ગઠબંધન કરવા ઈચ્છે છે. હાલ આંધ્રમાં ટીડીપી અને પવન કલ્યાણની પાર્ટી જનસેના પાર્ટી વચ્ચે ગઠબંધન છે. આ બંને પક્ષો તાજેતરમાં જ સંયુક્ત ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ચુક્યા છે.
મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી, ઘણા દિગ્ગજ નેતાઓનો પક્ષપલટો
મહારાષ્ટ્રથી લઈને અરૂણાચલ, પશ્ચિમ બંગાળ, ગુજરાત સુધી, બીજા પક્ષોના ઘણા નેતાઓએ તાજેતરમાં જ ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ (કોંગ્રેસ), પશ્ચિમ બંગાળ (West Bengal)ના તાપસ રૉય (ટીએમસી) છોડી ભાજપમાં સામેલ થઈ ગયા છે. જ્યારે અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh)માં કોંગ્રેસ (Congress)ના ચારમાંથી ત્રણ ધારાસભ્યો, બિહારમાં RJD અને કોંગ્રેસના અડધો ડઝનથી વધુ ધારાસભ્યો હવે ભાજપના રંગે રંગાઈ ગયા છે. તો ગુજરાત (Gujarat)માં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, અરવિંદ લાડાણી, સી.જે.ચાવડા અને તમિલનાડુમાંથી AIDMKના 16 પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદો પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે.
આ પક્ષો પણ NDAમાં સામેલ થવાની અટકળો
પંજાબ (Punjab)ની શિરોમણી અકાલી દળ પણ એનડીએમાં સામે થવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેલંગાણા (Telangana) ચૂંટણીમાં હાર બાદ KCRની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પણ ભાજપ સાથે હાથ મિલાવે તેવી સંભાવના છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સમાજવાદી પાર્ટીના નેતાઓ મનોજ પાંડે, પવન પાંડે, પૂજા પાલ સહિત સાત ધારાસભ્યો અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં કોંગ્રેસના રાજેન્દ્ર રાણા સહિત છ ધારાસભ્યોએ ભાજપ ઉમેદવાર તરફી ક્રોસ વોટિંગ કર્યું હતું. આ તમામ પણ કેસરીયો ધારણ કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કેરળ (Kerala)માં એ.કે.એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી કે.કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલ (Padmaja Venugopal) પણ ભાજપમાં જોડાઈ ગયા છે.