દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, મહાયુતિના સાથીએ ઉતાર્યા 11 ઉમેદવાર
Delhi Assembly Elections : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ રણશિંગુ વગાડ્યું છે. અજિત પવારની પાર્ટી NCPએ દિલ્હીમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઈને તેમની પહેલી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અજિત પવારના આ નિર્ણય ભાજપ માટે મોટો ઝટકા ગણી શકાય. કારણ કે, મહારાષ્ટ્રમાં NCP-ભાજપની ગઠબંધનની સરકાર છે, ત્યારે શું દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ગઠબંધન નથી?
NCPએ 11 ઉમેદવારની યાદી જાહેર કરી
NCPએ બુરાડીથી રતન ત્યાકી, બાદલીથી મુલાયમ સિંહ, મંગોળ પુરીથી એમ. ચંદ, ચાંદની ચૌકથી ખાલિદ ઉર રહેમાન, બલ્લીમારાનથી મોહમ્મદ હારૂન, છતરપુરથી નરેન્દ્ર તંવર, સંગમ વિહારથી કમર અહમદ, ઓખલાથી ઈમરાન સૈફી, લક્ષ્મી નગરથી શ્રી નમા, સીમા પુરથી રાજેશ લોહિયા, ગોકળ પુરીથી જગદીશ ભગતને મેદાને ઉતાર્યા છે. નોંધનીય છે કે, 70 સભ્યપદ દિલ્હી વિધાનસભાની ચૂંટણી ફ્રેબુઆરીમાં થવાની છે. મહત્ત્વની વાત એ છે કે, NCPની યાદીમાં ચાર મુસ્લિમ ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કોંગ્રેસે નામ જાહેર કર્યા એ પહેલા સેન્ટ્રલ ઈલેક્શન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં 35 બેઠકો પર ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ 26 બેઠકો પર ઉમેદવારોના નામ પર મહોર લગાવી હતી. બાકીની 9 બેઠકો હાલ પેન્ડિંગ રાખવામાં આવી હતી.