મહાયુતિમાં બળવો ! આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખેલ, ચૂંટણી ટાણે અજિત અને શિંદેને નાખી દીધા ટેન્શનમાં
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ચાલી રહેલા ભારે ઘમસાણ વચ્ચે મહાયુતિમાં બળવો જોવા મળ્યો છે. છગન ભુજબળના ભત્રીજા અને એનસીપીના વડા અજિત પવારના નજીકના કહેવાતા મુંબઈ એકમના અધ્યક્ષ સમીર ભુજબળે રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી મુખ્યમંત્રી એકનાથ શિંદેને ટેન્શનમાં નાખી દીધા છે. સમીરનું રાજીનામું અને ચૂંટણી લડવાની જાહેરાત બાદ એક સાથે ત્રણ દિગ્ગજ નેતાઓ ભુજબળ, પવાર અને શિંદેને મોટો ફટકો પડ્યો છે.
સમીરે રાજીનામું આપી શિંદેનું વધાર્યું ટેન્શન
સમીરે રાજીનામું આપ્યા બાદ નાંદગામ વિધાનસભા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. નાંદગામ શિંદેની આગેવાની હેઠળનો મતવિસ્તાર છે, એટલે કે મહાયુતિમાં બેઠક વહેંચણીની સમજૂતી મુજબ આ બેઠક શિંદેની શિવસેને સોંપાઈ છે. એકનાથ શિંદે પહેલેથી જ નાંદગામના ધારસભ્ય સુહાસ કાંડેને ઉમેદવાર જાહેર કરી ચુક્યા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા 'કાકા'ને ઝટકો, અજીત 'દાદા' પાસે જ રહેશે ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન
સમીર ભુજબળ કેમ નારાજ થયા ?
સમીરના નારાજ થવા પાછળનું કારણ નંદગામ વિધાનસભા બેઠક છે. તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા અને તેમણે પાર્ટી પાસેથી ટિકિટ પણ માંગી હતી. એનસીપીના કાર્યકર્તાઓએ પણ સમીરને નંદગામમાંથી ચૂંટણી લડાવવાની માંગ કરી હતી. કાર્યકર્તાઓએ એવી પણ જાહેરાત કરી હતી કે, તેઓ સુહાસ કાંડેના સમર્થનમાં કામ નહીં કરે. જોકે આ બધી કમઠાણ થતાં એનસીપીએ સમીર અને કાર્યકર્તાઓનું ન સાંભળ્યું અને એનસીપીએ બેઠક વહેંચણીની સમજૂતી મુજબ આ બેઠક શિંદે પાસે જતી રહી. ત્યારબાદ શિંદેએ વર્તમાન ધારાસભ્ય કાંડેનેને ટિકિટ આપી દીધી.
મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે મતદાન
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠકો માટે 20મી નવેમ્બરે મતદાન યોજાવાનું છે. જ્યારે 23 નવેમ્બરે મતગણતરી થવાની છે. હાલ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ સરકારની સત્તા છે. સત્તાધારી મહાયુતિમાં એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું ગઠબંધન છે. આ સત્તાધારી ગઠબંધન વિરુદ્ધ મહાવિકાસ અઘાડી ગઠબંધન ચૂંટણી મેદાનમાં છે, જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના યુબીટી અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી સામેલ છે.