NCP નેતાની હત્યાથી ચકચાર, વીજળી ગુલ કરી હુમલાખોરોએ તાબડતોબ વરસાવી ગોળીઓ
NCP leader Vanraj adndekar shot dead | મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં અજિત પવારની નેશનાલિસ્ટ કોગ્રેસ પાર્ટી (NCP) ના પૂર્વ કોર્પોરેટર પર તાબડતોબ ફાયરિંગ કરી તેમની હત્યા કરવાની ચકચાર મચાવતી ઘટના બની. જીવ ગુમાવનારા કોર્પોરેટરની ઓળખ વનરાજ આંદેકર તરીકે જાહેર કરાઈ હતી.
ધારદાર હથિયારો વડે પણ હુમલો કર્યો
પૂર્વ કોર્પોરેટર વનરાજ પર ધારદાર હથિયારો વડે પણ હુમલો કરાયો હતો. આ હુમલામાં તે મૃત્યુ પામી ગયા. પૂણે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના પૂણેના નાના પેઠ વિસ્તારમાં બની હતી. હુમલાખોરોએ રવિવારે રાતે 8:30 વાગ્યે પિસ્તોલ વડે ગોળીઓ વરસાવી હતી. હુમલામાં આંદેકર ગંભીર રીતે ઘવાયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તે ત્યાં મૃત્યુ પામી ગયા હતા.
5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યું
આ ઘટના બાદથી નાના પેઠ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. એવી ચર્ચા છે કે જે સમયે વનરાજ પર હુમલો થયો ત્યારે વનરાજ ડોકે તાલીમ વિસ્તારમાં રોકાયા હતા. આ દરમિયાન હુમલાખોરોએ તકનો લાભ લઇ પિસ્તોલ વડે 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરતાં પહેલા વિસ્તારની વીજળી ગુલ થઈ ગઇ હતી. પોલીસના જણાવ્યાનુસાર અદાવત કે પરસ્પર શત્રુતાને કારણે આ હત્યા કરાઈ હોઈ શકે છે. વર્ચસ્વને લઈને પણ લડાઈ થઈ હોવાના દાવાને નકારી શકાય તેમ નથી.