NCPના નેતાની તીક્ષ્ણ હથિયારો વડે સરાજાહેર હત્યાથી ખળભળાટ, હુમલાખોરો ફરાર
Image Source: Twitter
NCP Leader Sachin Kurmi Murder: અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સચિન કર્મીની શુક્રવારે રાત્રે મુંબઈના બાયકુલા વિસ્તારમાં સરજાહેરમાં હત્યા કરી નાંખવામાં આવી છે. NCPના નેતાની જાહેરમાં હત્યાથી ખળભળાટ મચી ગયો છે. આરોપીઓએ સચિન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત રાત્રે મુંબઈના બાયકુલા વિસ્તારમાં અજિત પવાર જૂથના તાલુકા અધ્યક્ષ સચિન કુર્મી પર અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં NCP નેતા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આરોપીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઘાયલ નેતાને તાત્કાલિક મુંબઈની જે જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું. જોકે, આ ઘટના અંગે હોસ્પિટલમાં હાજર કર્માચારીઓ કંઈ વાતચીત નથી કરી રહ્યા. બીજી તરફ મુંબઈ પોલીસે આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
હુમલામાં 2 થી 3 લોકો સામેલ
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના મધ્યરાત્રે લગભગ 12:30 વાગ્યે બની હતી. આ ઘટનાની સૂચના મળતા જ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ સચિનને નજીકની જેજે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. હત્યા કોણે અને શા માટે કરી તે જાણી નથી શકાયું. હુમલામાં 2 થી 3 લોકો સામેલ હતા.
તમને જણાવી દઈએ કે, સચિન કુર્મી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP અજિત પવાર જૂથના નેતા હતા, તેઓ લાંબા સમયથી મુંબઈમાં રાજકારણમાં સક્રિય હતા. સચિન કુર્મીની હત્યાથી રાજકીય બેડામાં ખળભળાટ મચી ગયો છે.