5 વર્ષ 'દુશ્મન' રહેલા સલમાન અને શાહરૂખની કરાવી મિત્રતા, બાબા સિદ્દિકીની ફિલ્મી સિતારાઓ સાથે પણ હતી મિત્રતા
Baba Siddique: એનસીપી અજિત પવાર જૂથના દિગ્ગજ નેતા બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા કરાઈ છે. બાબા સિદ્દીકીને મુંબઈની રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના દિગ્ગજ નેતા હતા. ભારતીય રાજકારણમાં તેઓ એક મહત્વનો ભાગ પણ ભજવ્યો છે. આ ઉપરાંત તેઓ રાજ્યમાં ધારાસભ્ય અને મંત્રી તરીકે સેવાઓ પણ આપી ચૂક્યા છે. નોંધનીય છે કે, તેઓ અનેક બોલિવૂડ સ્ટાર સાથે ઓળખ ધરાવતા હતા અને તેમણે એક વાર સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે સમાધાન કરાવી બંને અભિનેતાઓના પાંચ વર્ષ જૂના ઝઘડાનું અંત લાવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે લાંબા સમયથી ચાલતી દુશ્મનાવટનો અંત લાવનારા નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. નોંધનીય છે કે, વર્ષ 2008માં કેટરિના કૈફની બર્થડે પાર્ટીમાં બંને સુપરસ્ટાર્સ વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ બંનેએ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ લડાઈ બાદ સલમાન અને શાહરૂખ મોટા ઈવેન્ટ્સમાં પણ એકબીજાથી અંતર જાળવતા હતા.
જો કે, 2013માં બાબા સિદ્દીકીએ બંનેને પોતાની પ્રખ્યાત ઈફ્તાર પાર્ટીમાં આમંત્રિત કર્યા હતા, જ્યાં બંને સ્ટાર્સ લાંબા સમય બાદ એકબીજાને મળ્યા હતા. આ દરમિયાન બાબા સિદ્દિકીએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને બંને અભિનેતાઓએ એકબીજાને ગળે મળીને પાંચ વર્ષ લાંબી દુશ્મનાવટનો અંત લાવ્યા હતા. બોલિવૂડ અને બંને સુપરસ્ટારના ચાહકો માટે આ ક્ષણ ખૂબ જ ખાસ હતી, કારણ કે બંને સુપરસ્ટાર્સ વચ્ચેની દુશ્મનીએ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી હતી. આ પાર્ટી બાદ બંને વચ્ચેની કડવાશનો અંત આવ્યો હતો અને હવે બંને એકબીજાના સારા મિત્રો માનવામાં આવે છે.
કોણ હતા બાબા સિદ્દિકી?
દિગ્ગજ નેતા બાબા સિદ્દિકીનું પૂરું નામ બાબા ઝિયાઉદ્દીન સિદ્દિકી હતું. બાબા સિદ્દીકીને મુંબઈની રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના દિગ્ગજ નેતા હતા. ભારતીય રાજકારણમાં તેમણે એક મહત્વનો ભાગ પણ ભજવ્યો છે. બાબા સિદ્દિકી મહારાષ્ટ્ર વિધાનસભાની બાંદ્રા પશ્ચિમ બેઠક પર ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂક્યા હતા. આ ઉપરાંત તેઓ 2004-08 દરમિયાન કોંગ્રેસ સરકારમાં ખોરાક અને પુરવઠા, શ્રમ અને FDA રાજ્ય મંત્રી તરીકે પણ પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ ફેબ્રુઆરીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીમાં જોડાયા હતા.