મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું નામ, કોંગ્રેસ છોડીને NCPમાં જોડાયા હતા, જાણો બાબા સિદ્દિકી વિશે...
Baba Siddique: એનસીપી અજિત પવાર જૂથના દિગ્ગજ નેતા બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા કરાઈ છે. બાબા સિદ્દિકી જ્યારે તેમના દિકરા જીશાન સિદ્દિકીની ઓફિસ બહાર ગયા હતા તે દરમિયાન અચાનક તેમના પર ફાયરિંગ કરાયું હતું. જેમાં તેમને છાતી અને પેટના ભાગે બેથી ત્રણ ગોળી વાગી હતી. ત્યારબાદ તાત્કાલિક તેમને ગંભીર હાલતમાં મુંબઈની લિલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક ફરાર થયો હતો.
કોણ હતા બાબા સિદ્દિકી?
મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા બાબા સિદ્દિકીનું પૂરું નામ બાબા ઝિયાઉદ્દીન સિદ્દિકી હતું. બાબા સિદ્દીકીને મુંબઈની રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના દિગ્ગજ નેતા હતા. ભારતીય રાજકારણમાં તેઓ એક મહત્વનો ભાગ પણ ભજવ્યો છે. આ ઉપરાંત તેઓ રાજ્યમાં ધારાસભ્ય અને મંત્રી તરીકે સેવાઓ પણ આપી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા, પોલીસે બે લોકોની કરી ધરપકડ
ધારાસભ્ય અને મંત્રી તરીકે સેવા આપી હતી
બાબા સિદ્દિકી મહારાષ્ટ્ર વિધાનસભાની બાંદ્રા પશ્ચિમ બેઠક પર ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ 2004-08 દરમિયાન કોંગ્રેસ સરકારમાં ખોરાક અને પુરવઠા, શ્રમ અને FDA રાજ્ય મંત્રી તરીકે પણ પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ ફેબ્રુઆરીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીમાં જોડાયા હતા. નોંધનીય છે કે, તેમની હત્યાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચી ગયું છે અને અનેક દિગ્ગજ નેતાઓ તેમના મોત પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
સલમાન અને શાહરૂખ ખાન વચ્ચે કરાયું હતું સમાધાન
બાબા સિદ્દિકીની ઓળખ અનેક બોલિવૂડ સ્ટાર્સ સાથે હતી. તેઓ દર વર્ષે રમઝાન માસ દરમિયાન ઇફતાર પાર્ટીનું આયોજન કરતા હતા. જેમાં બોલિવૂડના દરેક મોટા સ્ટાર્સ હાજરી આપતા હતા. એક સમયે જ્યારે બોલિવૂડ સૂપર સ્ટાર્સ સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે ઝઘડો થયો હતો તે સમયે બાબા સિદ્દિકી એ જ ઇફતાર પાર્ટી દરમિયાન તેમની વચ્ચે સમાધાન કરાયું હતું.
આ પણ વાંચોઃ હરિયાણામાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ઍલર્ટ: નેતાઓને આપી ખાસ સૂચના