શરદ પવારે Z+ સિક્યુરિટી લેવાની પાડી ના, શું કોઈ VIP આવી રીતે ના પાડી શકે, જાણો નિયમ
NCP Chief Sharad Pawar Rejected Z Plus Security : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ઝેડ પ્લસ શ્રેણીની સિક્યુરિટી લેવાનો ઈન્કાર કરી દીધો છે. થોડા દિવસો પહેલા ગૃહ મંત્રાલયે તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો, જેમાં તેમની સુરક્ષા માટે 58 CRPF કમાન્ડો તૈનાત કરવાના હતા. આવી સ્થિતિમાં એવો સવાલ થઈ રહ્યો છે કે, શું કોઈ વીઆઈપી કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી સુરક્ષાનો ઈન્કાર કરી શકે છે? તો જાણીએ તેના નિયમો...
‘પહેલા હું જોઈશ કે કેવો ખતરો છે’
સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવારે કહ્યું છે કે, તેઓ પહેલા તપાસ કરશે કે, તેમની સામે કેવા પ્રકારના ખતરાની સંભાવના છે અને પછી જ તેઓ સુરક્ષા લેવાનું વિચારશે. તેમણે ગૃહ મંત્રાલયના કેટલાક અધિકારીઓ પાસેથી પણ આ સંદર્ભમાં માહિતી માંગી છે. હાલમાં શરદ પવારે આજે ઝેડ પ્લસ સિક્યોરિટી લેવાનો ઈન્કાર કરી દીધો છે અને તમામની નજર આ મામલે તેમની આગામી કાર્યવાહી પર છે.
શરદ પવાર કેમ સુરક્ષા લેવા ઈચ્છતા નથી?
એનસીપીના વડા શરદ પવારે અગાઉ પણ કેન્દ્ર સરકારે આપેલી સુરક્ષા મુદ્દે નિરાશા વ્યક્ત કરી હતી. થોડા દિવસો પહેલાં જ તેમણે કેન્દ્ર સરકારે આપેલી સુરક્ષા અંગે કહ્યું હતું કે, ‘શક્ય છે કે મારી ઈન્ફર્મેશન કાઢવા માટે મારી સિક્યોરિટી વધારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આવવાની છે. કદાચ તેમને કોઈ જરૂરી જાણકારી જોઈએ. તેથી આ વ્યવસ્થા કરવામાં આવી હશે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મને જણાવ્યું કે ત્રણ લોકોને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે. હુ તેમાંથી એક છુ. મે પૂછ્યું કે અન્ય 2 કોણ છે. મને જણાવવામાં આવ્યું કે RSS પ્રમુખ મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છે.’
આ પણ વાંચો : NDAમાં ભયંકર વિખવાદ: શિંદેના નેતાએ કહ્યું- અજીત પવારની બાજુમાં બેસું તો ઊલટી આવે છે
કેન્દ્રએ અગાઉ મરાઠા અનામત વખતે પવારને સુરક્ષા આપી હતી
કેન્દ્ર સરકારે 21 ઓગસ્ટે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત વિરોધી પ્રદર્શનોને જોતાં શરદ પવારને Z+ સિક્યોરિટી આપી હતી. 10 વધુ CRPF જવાન પવારની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. અમુક દિવસો પહેલા રાજ્યમાં અનામત વિરોધી પ્રદર્શનોને લઈને ગુપ્ત એજન્સીઓએ તેમની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું.
કોઈ વીઆઈપી ક્યારે સુરક્ષા લેવાનો ઈન્કાર કરી શકે?
જ્યારે સરકારને ગુપ્તચર વિભાગ તરફથી કોઈ વીઆઈપીને ધમકીની માહિતી મળે છે, ત્યારે ખતરાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગૃહ મંત્રાલય તે વીઆઈપીને સુરક્ષા પુરી પાડે છે. ધમકીના આધારે તેમને Y, Z અથવા Z+ જેવી કોઈપણ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી શકે છે. સુરક્ષા મેળવ્યા બાદ જો વીઆઈપી ઈચ્છે, તો તે કોઈપણ માન્ય કારણ આપીને સુરક્ષા પાછી ખેંચી શકે છે.
ઝેડ પ્લસ સિક્યોરિટી કોને આપવામાં આવે છે?
દેશના સન્માનિત લોકો અને નેતાઓને જીવનું જોખમ હોવાથી તેમને Z+ સિક્યોરિટી આપવામાં આવે છે. આ સુરક્ષા મિનિસ્ટર્સને મળનારી સિક્યોરિટીથી અલગ હોય છે. પહેલા સરકારને આ માટે એપ્લિકેશન આપવી પડે છે, જે બાદ સરકાર ગુપ્ત એજન્સી દ્વારા જોખમનો અંદાજ લગાવે છે. જોખમની વાત કન્ફર્મ થયા બાદ સુરક્ષા આપવામાં આવે છે. હોમ સેક્રેટરી, ડાયરેક્ટર જનરલ અને ચીફ સેક્રેટરીની કમિટી એ નક્કી કરે છે કે સંબંધિત લોકોને કઈ કેટેગરીમાં સિક્યોરિટી આપવામાં આવે.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા જ ભાજપને જોરદાર ઝટકો, પત્તું કપાતા નારાજ વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
ઝેડ પ્લસ સિક્યોરિટી કોણ આપે છે?
પોલીસની સાથે-સાથે ઘણી એજન્સી VIP અને VVIP ને સિક્યોરિટી કવર આપી રહી છે. તેમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPG, NSG, ITBP અને CRPF સામેલ છે. જોકે, ખાસ લોકોની સુરક્ષાની જવાબદારી NSGના ખભે હોય છે, પરંતુ જે રીતે ઝેડ પ્લસ સિક્યોરિટી લેનારની સંખ્યા વધી છે, તેને જોતાં CISFને પણ આ કાર્ય સોંપવામાં આવી રહ્યું છે.