Get The App

ધો. 12ના પુસ્તકમાં ચોથી વાર ફેરફાર, બાબરી મસ્જિદનું નામ હટ્યું, અયોધ્યા વિવાદ ચેપ્ટર બદલાયું

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
ધો. 12ના પુસ્તકમાં ચોથી વાર ફેરફાર, બાબરી મસ્જિદનું નામ  હટ્યું, અયોધ્યા વિવાદ ચેપ્ટર બદલાયું 1 - image


NCERT changed the chapter on Ayodhya : NCERT દ્વારા તૈયાર કરાયેલા ધોરણ 12ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તકમાંથી પણ બાબરી મસ્જિદનું નામ હટાવી દેવામાં આવ્યું છે. હવે નવા પુસ્તકમાં તેને 'ત્રણ ગુંબજવાળું માળખું' કહેવામાં આવ્યું છે. અયોધ્યાના પ્રકરણને ચાર પાનાથી ઘટાડીને માત્ર બે પાનામાં સમેટી દેવાયું છે. જેમાં ભાજપની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા, કાર સેવકોની ભૂમિકા, બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ ભડકેલી હિંસા, રાષ્ટ્રપતિ શાસન અને અયોધ્યામાં થયેલી હિંસા પર ભાજપનો અફસોસ સામેલ છે.

જૂના પાઠ્યપુસ્તકમાં શું હતું? 

અહેવાલ અનુસાર જૂના પાઠ્યપુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે 16મી સદીમાં મુગલ બાદશાહ બાબરના કમાન્ડર મીર બાકીએ બાબરી મસ્જિદ બનાવી હતી. હવે આ પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે 1528માં શ્રી રામના જન્મસ્થળ પર ત્રણ ગુંબજવાળું માળખું બનાવવામાં આવ્યું હતું. જો કે આ માળખામાં ઘણાં હિંદુ પ્રતીકો હતા. આ સિવાય અંદરની અને બહારની દીવાલો પર શિલ્પો હતા. જૂના પુસ્તકમાં બે પાનામાં એ જણાવવામાં આવ્યું હતું કે 1986માં ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના મસ્જિદને ખોલવાના નિર્ણય બાદ કેવી રીતે ટોળાશાહી કરવામાં આવી હતી. 1992માં રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રા અને કાર સેવકોના કારણે સાંપ્રદાયિક તણાવ ઊભો થયો હતો. ત્યારપછી 1993માં કોમી રમખાણો થયા હતા. આ વખતે કહેવામાં આવ્યું છે કે ભાજપે અયોધ્યાની ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

નવા પુસ્તકમાં શું છે?

નવા પુસ્તકમાં જણાવાયું છે કે 1986માં ફૈઝાબાદ જિલ્લા અદાલતે ત્રણ ગુંબજવાળા માળખાની રચનાને ખોલવાનો આદેશ આપ્યો હતો અને લોકોને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્રણ ગુંબજવાળી આ રચના શ્રી રામના જન્મસ્થળ પર બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. રામ મંદિરનો શિલાન્યાસ તો થયો પરંતુ આગળના બાંધકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હિંદુ સમુદાયને લાગ્યું કે તેની આસ્થા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને મુસ્લિમ સમુદાયને બંધારણ પર નિયંત્રણ જાળવી રાખવાનો અધિકાર મળી રહ્યો છે. 1992માં માળખાના પતન પછી ઘણા ટીકાકારોએ કહ્યું કે તે લોકશાહીના સિદ્ધાંતો માટે એક મોટો પડકાર સાબિત થશે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામેલ કરાયો 

અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને નવા પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે 9 નવેમ્બર, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો  હતો કે આ જમીન મંદિરની છે. જૂના પુસ્તકમાં કેટલાક અખબારના કટિંગની તસવીરો સામેલ કરવામાં આવી હતી, જેમાં બાબરી મસ્જિદ તોડી પડાયા પછી કલ્યાણ સિંહ સરકારને હટાવવાનો આદેશ સામેલ કરાયો હતો. હવે તેને હટાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે NCERT પુસ્તક 2014 પછી ચોથી વખત અપડેટ કરવામાં આવ્યું છે.

ધો. 12ના પુસ્તકમાં ચોથી વાર ફેરફાર, બાબરી મસ્જિદનું નામ  હટ્યું, અયોધ્યા વિવાદ ચેપ્ટર બદલાયું 2 - image


Google NewsGoogle News