પદ્મશ્રી એવોર્ડ વિજેતાને નકસલીઓની ધમકી, પુરસ્કાર પાછો આપવા તૈયાર થયા
ડરના કારણે છેલ્લા ૬ મહિનાથી ગામ છોડીને શહેરમાં રહે છે.
વારંવાર નકસલીઓ ધમકી આપતા હોવાથી અપમાન જેવું લાગે છે.
રાયપુર, ૨૭ મે,૨૦૨૪,સોમવાર
અંતરિયાળ નકસલી વિસ્તારમાં વૈધરાજ તરીકે સેવા આપતા નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત વૈધરાજ હેમચંદ્ર માઝી પરેશાન થયા છે. છતિસગઢ રાજયના છોટા ડોંગર થાણા વિસ્તારમાં નકસલીઓએ માઝી પર નિકો માઇન્સ પર દલાલી કરવાનો આરોપ મુકીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ ઉપરાંત નકસલવાદીઓએ નારાયણપુરમાં બે મોબાઇલ ટાવર પર આગ લગાડીને પત્રિકાઓ ફેંકી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પદ્મશ્રી હેમચંદ્ર માઝી નકસલીઓના ડરના કારણે છેલ્લા ૬ મહિનાથી ગામ છોડીને શહેરમાં રહે છે. નકસલીઓથી જીવને ખતરો હોવાથી સુરક્ષા આપવાની માંગણી કરી હતી. ત્યાર બાદ પોલીસ પ્રશાસને વૈધરાજને જિલ્લા મુખ્યાલયમાં આવેલા સેફ હાઉસમાં સુરક્ષા આપી છે. નકસલીઓની ધમકીથી ડરી ગયેલા પદ્મશ્રી હેમચંદ્ર માઝીએ લોકોને દવા અને ઇલાજ બંધ કરવાનું વિચારી રહયા છે.
વારંવાર નકસલીઓ ધમકી આપતા હોવાથી અપમાન જેવું લાગે છે. હાલમાં દવા અને ઇલાજનું કામ કરી રહેલી ૨૦ થી ૨૨ લોકોની ટીમને પ્રશાસને ૩ થી ૪ ગાર્ડ આપ્યા છે. તેઓ પોતાના ગામ છોટે ડોંગરમાં જવા ઇચ્છે છે. સરકાર પાસેથી સુરક્ષાની માંગણી કરી રહયા છે. જો જનસેવાના કામ માટે સરકાર કોઇ જ પગલા નહી ભરે તો પદ્મશ્રી પાછો આપવા પણ તૈયાર થયા છે.