Get The App

'ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું', નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
'ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું', નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ 1 - image


Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તંગદિલીનો માહોલ છે. ભારત હુમલાનો જડબાતોડ જવાબ આપવા સજ્જ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને PML-Nના અધ્યક્ષ નવાઝ શરીફે ભારત સાથે યુદ્ધ ન કરવા સલાહ આપી છે. તેમજ શાંતિપૂર્ણ ઉકેલો લાવવા અપીલ કરી છે. 

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ગઈકાલે (27 એપ્રિલ) પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના અધ્યક્ષ નવાઝ શરીફને વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ બેઠક ભારત દ્વારા સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કર્યા બાદ બોલાવવામાં આવી હતી. જેમાં શાહબાઝે નવાઝ શરીફને જણાવ્યું કે, આ એક ફોલ્સ ફ્લેગ ઓપરેશન હતું. જે ભારતીયો દ્વારા જાણીજોઈને કરવામાં આવ્યું હતું. જેથી અસ્થિરતાનો માહોલ ઊભો કરી શકાય. ભારતના આ આકરા પગલાંથી બંને દેશો વચ્ચે યુદ્ધનું જોખમ વધ્યું છે.

આ પણ વાંચોઃ તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો...' પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ

પાકિસ્તાન શાંતિ માટે પ્રતિબદ્ધ, પણ...

શાહબાઝે કહ્યું કે, આતંકવાદને પોષનારું પાકિસ્તાન શાંતિ માટે પ્રતિબદ્ધ છે. પરંતુ દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરીશું નહીં. જો કે, બીજી તરફ નવાઝ શરીફે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા ઉકેલ શોધવા હિમાયત કરી હતી. નવાઝ આક્રમક વલણ અપનાવવા માગતા નથી. PML-Nના નેતાઓએ જણાવ્યું હતું કે, નવાઝ શરીફે વડાપ્રધાનને શાંતિપૂર્ણ ઉકેલો શોધવા અપીલ કરી છે. તેઓ યુદ્ધ ઇચ્છતા નથી. ઉલ્લેખનીય છે, પાકિસ્તાન સરકાર આ હુમલા બાદ સતત પોતાના જ નિવેદનો પરથી પલટી મારી રહી છે. તેના વિદેશ મંત્રી સહિતના ઘણા નેતાઓ ભારતને આકરો જવાબ આપવાની તૈયારી બતાવી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન શાહબાઝ ઘડીક યુદ્ધ માટે તૈયાર હોવાનો સંકેત આપે છે, તો હવે પોતે શાંતિની અપીલ કરે છે.

આયોગ રચવા કરી ભલામણ

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પહલગામ હુમલાની નિષ્પક્ષ તપાસ માટે અમેરિકા, ઈરાન, ચીન, રશિયા અને બ્રિટનની અધિકારીઓ સહિત એક આંતરરાષ્ટ્રીય આયોગની રચના કરવા ભલામણ કરી હતી. જેના માટે પાકિસ્તાન આજે બ્રિટનના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યું છે. રક્ષા મંત્રીએ જણાવ્યું કે, અમે જાણીએ છીએ કે, આ માત્ર એક નાટક હતું. પરંતુ આ જૂઠ્ઠાણાં પરથી પડદો હટાવવો જરૂરી છે. જેના માટે અમે કોઈપણ આયોગ સાથે કામ કરવા તૈયાર છીએ. જો ભારત કોઈપણ દુઃસાહસ કરે છે, તો અમે પીછે હટ કરીશું નહીં.

'ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું', નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ 2 - image

Tags :