Get The App

'ઘર, પૈસા, કપડાં, અનાજ બધું બાળી નાખ્યું...' બિહારના નવાદાના અગ્નિકાંડ પીડિતોએ વ્યથા ઠાલવી

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
nawada Land Disputes


Bihar's Nawada Attack For Land Disputes: બિહારના નવાદામાં મુફ્ફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણનગરમાં ભૂ-માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવતાં અહીં રહેતો ગરીબ વર્ગ ઘરવિહોણો બન્યો છે. આ હુમલાખોરોએ અનેક ઘરને આગ ચાંપી દેતાં લોકો રોટી-કપડાં-મકાન વિહોણા બન્યા છે. મોડી સાંજે હુમલાખોરોએ આ ગામમાં પ્રવેશી લોકોને ધમકી આપી આગ ચાંપી હતી. તેમજ રસ્તામાં આવતી તમામ ચીજોને કચડી નાખી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી ભૂ-માફિયાઓ જગ્યા ખાલી કરાવવા અહીંના લોકોને ડરાવી-ધમકાવી રહ્યા છે. પરંતુ ગઈકાલે તો હદ પાર કરતાં 100થી વધુ લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો. લોકોની ઘરવખરી વેરવિખેર કરી નાખી હતી.

પોલીસે 25 લોકોની ધરપકડ કરી

નવાદા હુમલામાં સામેલ 100થી વધુ આરોપીઓમાંથી પોલીસે અત્યારસુધી 15ની ધરપકડ કરી છે. કુલ 28 લોકો પર વોરંટ જાહેર કરવામાં આવ્યા છે. આ હુમલામાં પોલીસે 21 ઘર બળીને રાખ થયા હોવાની ખાતરી કરી છે. પરંતુ અહીં 80 જેટલા ઘરો બળી ગયા હોવાની માહિતી સ્થાનિકોએ આપી છે. અહીં રહેતાં લોકોને હાલ સરકારી તંબુઓમાં આશરો આપવામાં આવ્યો છે.

'ઘર, પૈસા, કપડાં, અનાજ બધું બાળી નાખ્યું...' બિહારના નવાદાના અગ્નિકાંડ પીડિતોએ વ્યથા ઠાલવી 2 - image

તબાહી સર્જાઈ ત્યારનો માહોલ ડરામણો

જ્યારે અહીં તબાહી સર્જાઈ, ત્યારે આ વિસ્તારમાં રહેતાં કેટલાક બાળકો ભોજન બનવાની રાહ જોઈ રહ્યા હતા. કામ પતાવી ઘરે પરત ફરેલા લોકો આરામ કરી રહ્યા હતા અને મહિલાઓ રાત્રિભોજનની તૈયારીમાં વ્યસ્ત હતી. પરંતુ થોડી જ ક્ષણોમાં બધું જ રાખમાં ફેરવાઈ ગયું હતું.

આ પણ વાંચોઃ VIDEO: બિહારના નવાદામાં ટોળાનું આડેધડ ફાયરિંગ, 80 ઘરોને ચાંપી આગ, પોલીસનો કાફલો ખડકાયો

બાળકો ભોજનની રાહ જોતાં ભૂખ્યા જ રહી ગયા

ભોજન બનવાની રાહ જોઈ રહેલા બાળકોને પોતાનો જીવ બચાવવા ઘર છોડીને ભાગવું પડ્યું હતું. રસોડામાં બેઠેલી માતા પણ સ્ટવ પર ખોરાક છોડીને બાળકોને સંતાડવાની જગ્યા શોધતી રહી. મહિલાઓ, બાળકો, વૃદ્ધો, બધા જ આગમાંથી બચવા માટે જગ્યા શોધી રહ્યા હતા. હુમલાખોરોએ બધાને ઝડપથી ઘરમાંથી ભાગી જવા કહ્યું અને બધું સળગાવી દીધું હતું.

'ઘર, પૈસા, કપડાં, અનાજ બધું બાળી નાખ્યું...' બિહારના નવાદાના અગ્નિકાંડ પીડિતોએ વ્યથા ઠાલવી 3 - image

સેંકડો લોકો ઘરવિહોણા બન્યા

હવે આ સેંકડો લોકો પાસે ન તો માથે છત છે, ન ખાવા માટે અનાજ છે, ન પહેરવા માટે કપડાં છે. આગમાં બધું બળીને ખાખ થઈ ગયું. તેમની બચત અને ઓળખના દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, મતદાર આઇડી પણ બળી ગયા. હવે આ લોકો સરકારી તંબુ નીચે દિવસો પસાર કરી રહ્યા છે. છેવટે, ક્યાં સુધી સરકારી રાહત પર તંબુ નીચે રહેશે? આ પરિસ્થિતિના પરિણામો અંગે આ એક મોટો પ્રશ્ન છે.

'ઝડપથી ભાગી જાઓ, નહીં તો બધાને બાળી નાખીશું'

પીડિત સુનીતાએ જણાવ્યું કે, ટોળાએ પેટ્રોલ છાંટ્યું અને ઘરોને આગ લગાવવા લાગ્યા હતા. બધું જ અનાજ બળી ગયું. ઘરમાં રાખેલા પૈસા, કપડાં, વાસણો, આધાર કાર્ડ બધું બળી ગયું હતું. હુમલાખોરો ઘરમાં ઘૂસ્યા ત્યારે હું ભોજન બનાવી રહી હતી, બાળકો ખાવા માટે રાહ જોઈ રહ્યા હતા. તેઓએ અમને ધમકી આપી કે, ઝડપથી અહીંથી ભાગી જાઓ, નહીં તો તમને પણ બાળી નાખીશું.

'ઘર, પૈસા, કપડાં, અનાજ બધું બાળી નાખ્યું...' બિહારના નવાદાના અગ્નિકાંડ પીડિતોએ વ્યથા ઠાલવી 4 - image


Google NewsGoogle News