ચીનના જાસૂસી જહાજને મુઈઝ્ઝુનું 'વેલકમ', વિપક્ષનો વિરોધ
- ભારતના સૈન્યને ઊચાળા ભરવાનું કહેનારા પ્રમુખ મુઈઝ્ઝુને માલદિવ્સના વિપક્ષે ઘેર્યા
- લક્ષદ્વિપ મુદ્દે ભારત સાથેના વિવાદ પછી ચીનના જહાજને પ્રમુખ મુઈઝ્ઝુએ મંજૂરી આપતા બળતામાં ઘી હોમાયું
- ભારત સાથે સંબંધો સુધારવા પ્રમુખ મુઈઝ્ઝુ પર માલદિવ્સના વિપક્ષે દબાણ વધાર્યું
માલે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વિપ પ્રવાસ મુદ્દે ભારત અને માલદિવ્સના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુના ભારત વિરોધી વલણથી બંને દેશો વચ્ચેના સંબંધો તળીયે જઈ રહ્યા છે. આવા સમયે ચીનના જાસૂસી વિમાનને માલદિવ્સ સરકારે આવકારતા ભારત સાથે તેના સંબંધોમાં વધુ કડવાશ ઉમેરાઈ છે. મુઈઝ્ઝુ સરકારના આ વલણ મુદ્દે વિપક્ષે તેમને ઘેર્યા છે. બંને વિરોધ પક્ષો ભારતના સમર્થનમાં આગળ આવ્યા છે અને ચીનના જાસૂસી જહાજને પ્રવેશની મંજૂરીનો વિરોધ કર્યો છે.
બીચ પ્રવાસન મુદ્દે ભારત અને માલદિવ્સ વચ્ચેના સંબંધો વણસ્યા છે. આવા સમયે ભારત વિરોધી વલણ અપનાવીને સત્તા પર આવેલા પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુની સરકારને માલદિવ્સના બે મુખ્ય વિરોધ પક્ષે ઘેરી છે. માલદિવ્સના બે વિરોધ પક્ષો ખુલીને ભારતના સમર્થનમાં આગળ આવ્યા છે. માલદિવ્સમાં મુઈઝ્ઝુ સરકારે ચીનના જાસૂસી વિમાનને માલે પોર્ટ પર આવકાર્યું છે ત્યારે વિપક્ષે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. માલદિવ્સ સરકારે ચીનના જાસૂસી જહાજને મંજૂરી આપતા ભારત સાથે હવે માલદિવ્સના વિપક્ષે પણ વિરોધ નોંધાવ્યો છે.તેમણે ભારતને માલદિવ્સનો સૌથી લાંબા સમયથી ભાગીદાર દેશ ગણાવ્યો છે. બ્રિટિશ રાજમાંથી આઝાદ થયા પછી માલદિવ્સ જ્યારે પણ મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે સૌથી વધુ મદદ ભારતે જ કરી હોવાનો વિપક્ષે દાવો કર્યો છે.
માલદિવ્સના બંને વિરોધ પક્ષો માલદિવ્સ ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) અને ધ ડેમોક્રેટ્સે કહ્યું કે, વર્તમાન સરકારનું ભારત વિરોધી વલણ ચિંતાજનક છે. કોઈપણ મોટા ભાગીદાર વિશેષરૂપે લાંબા સમયથી આપણા સહયોગી દેશને અલગ પાડવો આપણા માટે લાભદાયક નથી.
તેમણે સંયુક્ત કોન્ફરન્સમાં કહ્યું કે માલદિવ્સની સરકાર અને ભાવી સરકારોએ દેશના લોકોની સુખાકારી માટે બધા જ સહયોગી દેશો સાથે કામ કરવું જોઈએ. હિન્દ મહાસાગરમાં સ્થિરતા અને સુરક્ષા માલદિવ્સ માટે જરૂરી છે. એમડીપીના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ફય્યાઝ ઈસ્માઈલ તથા સંસદના નાયબ સ્પીકર અહમદ સલીમે ધ ડેમોક્રેટ્સ પક્ષના અધ્યક્ષ હસન લતીફ અને સંસદીય જૂથના નેતા અલી આઝિમે આ મુદ્દો ઉઠાવી સંયુક્ત કોન્ફરન્સ બોલાવી હતી.
બંને પક્ષોએ અનેક જરૂરી બાબતો પર એક સાથે મળીને કામ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને દેશની વર્તમાન વિદેશ નીતિ અને પારદર્શિતા જેવા મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
માલદિવ્સની ૮૭ સભ્યોની સંસદમાં આ બંને પક્ષના સાંસદોની કુલ સંખ્યા ૫૫ છે.