બાંગ્લાદેશ કટોકટી અને ચીનની આક્રમક્તાની દ્રષ્ટિએ નૌકાદળના અધિકારીઓની આજથી બેઠક
એક નવો ''થિયેટર કમાન્ડ'' રચવા વિચારણા
આ પૂર્વે રાજનાથસિંહે લખનૌમાં યોજાયેલ જોઈન્ટ કમાન્ડર્સની પરિષદમાં કશું ''અણધાર્યું'' પણ થાય, તો તે માટે પણ પુરા તૈયાર રહેવા સેનાઓને કહ્યું હતું
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ઊભી થયેલી કટોકટી અને ચીનની સતત વધી રહેલી આક્રમકતા તથા હુથી જેવા આતંકી તત્વોને લક્ષ્યમાં રાખી આવતીકાલ તા. ૧૭મીથી યોજાનારી નેવીના ટોપ કમાન્ડર્સની પરિષદમાં સઘન ચર્ચા કરવામાં આવશે.
એક તરફ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની સાથે બંગાળના ઉપસાગરમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ, બીજી તરફ હિન્દ મહાસાગરમાં ચીનની સતત વધી રહેલી આક્રમક્તા અને તેના દ્વારા પાકિસ્તાનને અપાતી લશ્કરી સહાય પણ આ પરિષદમાં ગણતરીમાં લેવામાં આવશે.
આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રમાં હુથી આતંકીઓની ''કાર્યવાહી'' વિષે ચર્ચા થવા સંભવ છે.
આ પરિષદમાં સૌથી વધુ મહત્વની બાબત - ''નવો થિયેટર-કમાન્ડ'' રચવાની છે. અત્યારે દેશમાં વેસ્ટર્ન, ઈસ્ટર્ન અને સધર્ન તેમ ત્રણ (નૌકાદળના) કમાન્ડ છે. આ વિશિષ્ટ-કમાન્ડ ''અરેબિયન-ચી''નો હોવા સંભવ છે જે હૂથી બળવાખોરોને ડામવાના હેતુથી રચવામાં આવશે. તેમ માનવાને કારણ છે. જેમાં ગલ્ફ-ઑફ એડનમાં કઈ રીતે કાર્યવાહી હાથ ધરવી તે મુદ્દાની ચર્ચા થવા પણ સંભવ છે.
આ પરિષદનું પ્રમુખ પદ નૌકાદળના વડા દિનેશ કે. ત્રિપાઠીએ સંભાળ્યું હતું.
આ પૂર્વે થોડા દિવસો પહેલા રાજનાથસિંહે લખનૌમાં, આર્મી, નેવી અને એરફોર્સના ટોચના અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં તેઓએ પણ બાંગ્લાદેશની કટોકટીને લીધે બંગાળના ઉપસાગરમાં 'સાવચેત' રહેવા માટે નેવીના તથા એરફોર્સના ઈસ્ટર્ન કમાન્ડને ભારપૂર્વક કહ્યું હતું. આ સાથે 'ઓચિંતા' ઊભી થનારી કોઈપણ આપત્તિ માટે તેઓએ ત્રણે સૈનાઓને સાવધ રહેવા અનુરોધ કર્યો હતો. આ સાથે નવા થિયેટર કમાન્ડસની રચનાનો મુદ્દો પણ ચર્ચવામાં આવ્યો હતો.
ભારતીય સેનાઓ વર્ષમાં બે વખત ટોચના અધિકારીઓની બેઠક યોજે છે. જેમાં અધિકારીઓ તેમના નવા વિચારો પણ રજુ કરે છે તે વિષે ચર્ચા પણ થાય છે.