નેવી એડમિરલ્સના ખભા પર લગાવાતા 'એપોલેટ્સ' બદલાયા, છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાથી છે પ્રેરિત
હવે એડમિરલ્સના ખભા પર ભારતીયતા દર્શાવતા એપોલેટ્સ લગાવાશે
પીએમ મોદીની જાહેરાત બાદ જ આ એપોલેટ્સને ફાઈનલ સ્વરૂપ અપાયો
નેવી એડમિરલ્સના ખભા પર લગાવાતા એપોલેટ્સ (Navy Admirals Epaulettes Design ) હવે બદલાઈ ગયા છે. નવા એપોલેટ્સ પર છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાનું ચિહ્ન દેખાય છે. નૌકાદળ દિવસ 2023 દરમિયાન જ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હવે એડમિરલ્સના ખભા પર ભારતીયતાની ઓળખવાળા એપોલેટ્સ લગાવાશે.
પીએમની જાહેરાત બાદ અંતિમ સ્વરૂપ અપાયું
માહિતી અનુસાર પીએમ મોદીની જાહેરાત બાદ જ આ એપોલેટ્સને ફાઈનલ સ્વરૂપ અપાયો હતો. આ નવી ડિઝાઈન નેવીના ફ્લેગથી જ પ્રેરિત છે અને તે ભારતના સમૃદ્ધ વારસાને દર્શાવે છે. શુક્રવારે નેવી એડમિરલ્સના નવા એપોલેટ્સની ડિઝાઈનનું અનાવરણ કરાયું હતું.
નવી ડિઝાઈન શું દર્શાવે છે?
નેવીએ કહ્યું કે આ નવી ડિઝાઈન આપણ પંચ પ્રાણના બે સ્તંભને દર્શાવે છે. પ્રથમ એ કે આપણને આપણા વારસા પર ગર્વ છે અને બીજું એ કે ગુલામીની માનસિકતાથી મુક્તિનો આપણો પ્રણ હવે પૂરો થઇ રહ્યો છે. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી હાર્બર વિરુદ્ધ ભારતીય નેવી દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ટ્રાઈડેન્ટની યાદમાં 4 ડિસેમ્બરે નેવી દિવસ મનાવાય છે.