ભાજપમાં ફરી જોડાશે નવજોત સિંહ સિદ્ધૂ? લોકસભા ચૂંટણી પહેલા 'ગુરુ'ની કામગીરીથી કોંગ્રેસનું ટેન્શન વધ્યું
Punjab Politics : નવજોત સિંહ સિદ્ધૂ પંજાબ કોંગ્રેસ માટે હંમેશાથી મુશ્કેલી ઊભી કરતા રહ્યા છે. એક તરફ પંજાબમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન કરવાના પ્રયાસમાં લાગી ગઈ છે, તો બીજી તરફ હવે નવજોત સિંહ સિદ્ધૂએ જ કોંગ્રેસ માટે નવી મુશ્કેલી ઉભી કરી છે. સિદ્ધૂ પાર્ટીની મહત્ત્વની બેઠકોમાં પણ સામેલ નથી થઈ રહ્યા. આ કારણસર પંજાબ કોંગ્રેસ ચિંતામાં છે. સૂત્રોના અનુસાર, પંજાબ કોંગ્રેસે સિદ્ધૂની ફરિયાદ સીધી કોંગ્રેસ હાઈકમાન્ડને કરી દેવાઈ છે.
માહિતી છે કે, કોંગ્રેસની પંજાબ યૂનિટના કેટલાક વરિષ્ઠ નેતાઓએ સિદ્ધૂના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે. આ નેતાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખીને માંગ કરી છે કે સિદ્ધૂ વિરૂદ્ધ ઈનડિસિપ્લીનને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે. પંજાબ કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સિદ્ધૂ પાર્ટી લાઈનનું પાલન નથી કરી રહ્યા, પરંતુ અલગ જ ખિચડી પકવવામાં લાગ્યા છે.
નવજોત સિંહ સિદ્ધૂ પંજાબ કોંગ્રેસની ચૂંટણી સમિતિના સભ્ય છે. આમ છતાં, તેઓ પહેલી ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં સામેલ નહોતા થયા. તેમણે એક અલગ જ બેઠક બોલાવી હતી, જેના ફોટો પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, સિદ્ધૂ પંજાબ કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે.
બે નેતાઓ વિરૂદ્ધ થઈ ચૂકી છે કાર્યવાહી
સૂત્રોનું એમ પણ કહેવું છે કે, સિદ્ધૂએ પંજાબ કોંગ્રેસના પ્રભારી અને મહાસચિવ દેવેન્દ્ર યાદવના ફોન અને તેમના મેસેજનો જવાબ ન આપ્યો. જણાવી દઈએ કે, આ પહેલા પાર્ટીની મંજૂરી વગર સિદ્ધૂએ એક રેલીનું આયોજન પણ કર્યું હતું, જેના કારણે વિવાદ થયો હતો. આ મામલે પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે પૂર્વ ધારાસભ્ય મહેશઈન્દર નિહાલસિંહવાલા અને તેમના દીકરા ધર્મપાલ સિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા.
સોશિયલ મીડિયા પર શેર-શાયરી
એક તરફ સિદ્ધૂ પાર્ટીથી અલગ ચાલી રહ્યા છે, તો બીજી તરફ તેઓ સોશિયલ મીડિયા પર શેર શાયરી કરી રહ્યા છે. હાલમાં જ સિદ્ધૂએ એક્સ પર લખ્યું કે, 'યે દબદબા, યે હકૂમત, યે નશા, યે દોલત! સબ કિરાયેદાર હે, મકાન બદલતે રહતે હે!' આ સિવાય તેમણે થોડા દિવસો પહેલા એક્સ પર લખ્યું હતું કે,' હુનર હોગા તો દુનિયા કદ્ર કરેગી, એડિયા ઉઠાને સે કિરદાર ઉંચે નહીં હોતે.' તેવામાં સવાલ ઉઠવા લાગ્યા છે કે, શું ફરી એકવાર પંજાબની રાજનીતિમાં નવજોત સિંહ સિદ્ધૂ પલટી મારીને ભાજપમાં જઈ શકે છે?