મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, 8 મહિલા સહિત 10 ઘૂસણખોર બાંગ્લાદેશીની કરી ધરપકડ
Mumbai News : મહારાષ્ટ્રની નવી મુંબઈ પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પોલીસે ભારતમાં ગેરકાયદે રહેતી 8 મહિલાઓ સહિત 10 બાંગ્લાદેશીઓની ઝડપી પાડ્યા છે. પોલીસે આજે (24 ડિસેમ્બર) કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે વાશી અને ખારઘર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જેમાં આ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પુરુષો શ્રમિક તરીકે કામ કરતા હોવાનો ખુલાસો
નવી મુંબઈ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, ‘બાંગ્લાદેશી પુરુષો શ્રમિક તરીકે કામ કરતા હતા. જ્યારે મહિલાઓ ઘરઘરાઉ કામ કરતી હતી. મીડિયા રિપોર્ટ મુજબ એક અધિકારીએ કહ્યું કે, ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી પુરુષો અને મહિલાઓ વર્ષ 2023થી ભારતમાં ગેરકાયદે રહે છે.
ઝડપાયેલા બાંગ્લાદેશીઓ પાસે નાગરિકતા-પ્રવાસના કોઈ દસ્તાવેજ નહીં
જ્યારે પોલીસે તપાસ કરી, ત્યારે બાંગ્લાદેશીઓ ભારતીય નાગરિકતા અથવા પ્રવાસના દસ્તાવેજોના કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા. અધિકારીએ કહ્યું કે, તેઓમાંથી કેટલાક લોકો વર્ષોથી ભારતમાં ગેરકાયદે રહે છે. ખારઘર પોલીસે પાસપોર્ટ એક્ટ અને વિદેશી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સ્થાનીક રહેવાસીઓને ગેરકાયદે બાંગ્લાદેશીઓની માહિતી આપવા અપીલ
નવી મુંબઈ પોલીસ ધરપકડ કરાયેલા બાંગ્લાદેશીઓ ભારતમાં કેવી રીતે આવ્યા તેની તપાસ કરી રહી છે. આ નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યું છે અને તેઓ કંઈ રીતે ભારતમાં આવ્યા તેની પણ તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. આ ઉપરાંત પોલીસે સ્થાનીક લોકોને ગેરકાયદે બાંગ્લાદેશીઓની માહિતી આપવા અપીલ કરી છે.