રાજ્યસભામાં છીનવાઇ ગયો ભાજપનો 'સહારો', નંબર ગેમ માટે નાના-નાના પક્ષોને સાચવવા પડશે
Image: IANS |
Naveen Patnaik Withdraws Supports to BJP: લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત ન મળતાં પક્ષમાં સત્તા ટકાવી રાખવા અનેક પ્રયાસો કરી રહ્યું છે. લોકસભા ચૂંટણીના ઝટકા બાદ હવે રાજ્યસભામાંથી પણ ટેકો છીનવાઈ ગયો છે. 18મી લોકસભાની કામગીરી દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ બિલ રાજ્યસભામાંથી પસાર કરાવવામાં મદદરૂપ થનાર બીજુ જનતા દળ (બીજેડી)એ સ્પષ્ટપણે ભાજપ-એનડીએનો સાથ આપવાનો ઈનકાર કર્યો છે.
બીજેડી પ્રમુખ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે ઘણા વર્ષો પછી ઓડિશામાં ભાજપના કારણે સત્તા ગુમાવી છે, તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી રાજ્યસભામાં કેન્દ્ર સરકારનો વિરોધ કરશે. 245 સાંસદો ધરાવતી રાજ્યસભામાં બિલ પસાર કરવા માટે 123 સાંસદોનું સમર્થન હોવું જરૂરી છે. રાજ્યસભામાં હાલમાં NDAના 106 સાંસદો છે. દસ બેઠકો પર ચૂંટણી થવાની છે. ભાજપ તેમાંથી છ જીતી શકે છે. તો પણ તેના સાંસદોની સંખ્યા માત્ર 112 સુધી પહોંચી શકશે.
રાજ્યસભામાં બીજેડીના 9 અને વાયએસઆર કોંગ્રેસના 11 સાંસદો છે. 10 ખાલી બેઠકો સિવાય 5 બેઠકો એવી છે કે જેના પર સાંસદો નોમિનેટ થવાના છે.
બંને પક્ષોએ 370 અને CAA પર સમર્થન આપ્યુ હતું
વર્ષોથી, YSR કોંગ્રેસ અને BJD બંને પક્ષોએ કેટલાક મુદ્દાઓ પર મોદી સરકારને ટેકો આપ્યો છે. બંનેના સમર્થનથી ભાજપ સંસદના બંને ગૃહોમાં ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કરાવવામાં સફળ રહ્યું છે. YSR કોંગ્રેસ અને BJDએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) નાબૂદ કરવાના મામલે મોદી સરકારને સમર્થન આપ્યું હતું. ટ્રિપલ તલાક કાયદાના મુદ્દે મોદી સરકારને બીજેડીનું સમર્થન મળ્યું હતું, જો કે, YSR કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. વાયએસઆર કોંગ્રેસે 2021માં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાનું સમર્થન કર્યું હતું પરંતુ તે સમયે બીજેડીએ તેનો વિરોધ કર્યો હતો.
રાજ્યસભામાં એનડીએમાં સામેલ પક્ષોના સંસદોની સંખ્યા
રાજ્યસભામાં એનડીએ સિવાયના રાજકીય પક્ષોના સાંસદો
આ વખતે ભાજપને રાજ્યસભા બેઠકોના સંદર્ભમાં ઓડિશામાં ફાયદો મળી શકે છે કારણ કે તેણે ગત વખતે જીતેલી 23 બેઠકોની સરખામણીએ ઓડિશામાં 79 વિધાનસભા બેઠકો જીતી છે.
શું UCC અને વન નેશન, વન ઇલેક્શન પર મુશ્કેલી પડશે?
મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળમાં સંસદમાં બે મહત્વપૂર્ણ બિલ લાવી શકે છે. તેમાંથી પ્રથમ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને બીજી વન નેશન વન ઇલેક્શન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ UCC વિશે વાત કરી છે. UCC ભાજપ શાસિત રાજ્ય ગોવામાં લાગુ કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તરાખંડમાં પણ તેનો અમલ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત ભાજપ વન નેશન વન ઈલેક્શન પર પણ ઝડપથી આગળ વધવા માંગે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઘણા નેતાઓએ કહ્યું હતું કે જ્યારે દેશમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાશે ત્યારે તેની સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.
ભાજપની દલીલ છે કે આનાથી સમય અને પૈસાની બચત થશે પરંતુ લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓ એક દેશ એક ચૂંટણીની ફોર્મ્યુલાની વિરુદ્ધ છે. ગયા વર્ષે મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના પણ કરી હતી અને તમામ રાજકીય પક્ષો સાથે વાત કર્યા બાદ આ સમિતિએ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો છે.