Get The App

નવીન પટનાયકના વિશ્વાસુ પાંડિયનનો રાજકારણમાંથી સન્યાસ, ઓડિશામાં BJDની હારની જવાબદારી સ્વીકારી

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
નવીન પટનાયકના વિશ્વાસુ પાંડિયનનો રાજકારણમાંથી સન્યાસ, ઓડિશામાં BJDની હારની જવાબદારી સ્વીકારી 1 - image


Odisha Politics: ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં બીજુ જનતા દળ (બીજેડી)ની કારમી હારની જવાબદારી લેતાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના સહયોગી વી.કે. પાંડિયને રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હોવાની જાહેરાત કરી છે. વી. કે. પાંડિયન હવે રાજકારણમાં સક્રિય ભૂમિકા નિભાવશે નહીં.

વી. કે. પાંડિયને એક વીડિયો જાહેર કરીને પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. વી.કે. પાંડિયનને પૂર્વ સીએમ પટનાયકના ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. જો કે બીજેડીની હાર બાદ પાંડિયન જાહેરમાં જોવા મળ્યા ન હતા.

પાંડિયને હાર બાદ કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો નહીં

પાંડિયન 5 જૂને નવીન પટનાયક સાથે રાજીનામું આપવા રાજભવન ગયા નહોતા કે તેમના નિવાસસ્થાને યોજાયેલી પાર્ટીના નેતાઓની બેઠકમાં પણ ભાગ લીધો ન હતો. તેણે વીડિયો જાહેર કરીને કહ્યું કે ‘રાજકારણમાં જોડાવાનો મારો હેતુ માત્ર નવીન બાબુ (પટનાયક)ને સમર્થન આપવાનો હતો. હવે મેં સક્રિય રાજકારણ છોડવાનો નિર્ણય કર્યો છે."

બીજેડીના નેતાઓએ પાંડિયનને હાર માટે દોષી ઠેરવ્યા 

ચૂંટણીમાં બીજેડીના ખરાબ પ્રદર્શન માટે પક્ષના નેતાઓ અને કાર્યકરોએ તમિલનાડુના નોકરશાહમાંથી રાજનેતા બનેલા પાંડિયનને દોષી ઠેરવ્યા હતા. બીજી તરફ, નવીન પટનાયકે સ્પષ્ટતા કરી હતી કે, પાંડિયન કોઈના ઉત્તરાધિકારી નથી. ઓડિશાના લોકો નક્કી કરશે કે, તેમનો ઉત્તરાધિકારી કોણ રહેશે.

નવીન પટનાયકે પાંડિયનનો પક્ષ લીધો હતો 

પાંડિયનની ટીકાઓ થતાં થોડા સમય પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે, ‘પાંડિયનની ટીકાઓ થઈ છે તે કમનસીબી છે. એક અધિકારી તરીકે તેમણે છેલ્લા 10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. પછી તે બે ચક્રવાત જેવી કુદરતી આફત હોય કે કોરોના મહામારી. તેમણે સારું કામ કર્યું છે. આ સારા કામ પછી તેઓ નોકરશાહીમાંથી નિવૃત્ત થયા અને પાર્ટીમાં જોડાયા છે. ઉત્કૃષ્ટ કામગીરી કરીને મોટા પાયે સહયોગ આપ્યો હતો. તેમને પ્રામાણિક વ્યક્તિ તરીકે યાદ રાખવા જોઈએ.’

કોણ છે વી. કે. પાંડિયન?

વી. કે. પાંડિયનનું પૂરું નામ વી. કાર્તિકેય પાંડિયન છે. તેમનો જન્મ 25 મે 1974ના રોજ તમિલનાડુમાં થયો હતો. અંગ્રેજી અને ઉડિયા ઉપરાંત તે તમિલ અને હિન્દી પણ સારું બોલે છે. પાંડિયન 2000 બેચના IAS અધિકારી હતા. પાંડિયનની કામગીરીની નોંધ લઈને તેમનું પોસ્ટિંગ પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના કાર્યાલયમાં થયું હું, જ્યાં તેમણે પટનાયકના અંગત સચિવ અને ઓડિશા સરકારના ‘મુખ્યમંત્રી પરિવર્તન અને પહેલ’ના સચિવ પદે પણ ફરજ બજાવી હતી. 2019માં નવીન પટનાયક પાંચમીવાર મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે તેમણે ઓડિશાના સંપૂર્ણ વિકાસ માટે 5T નામે કલ્યાણકારી યોજના શરૂ કરી હતી. આ વિભાગના સચિવ પાંડિયનને બનાવાયા હતા. સચિવપદે નિયમુક્તિ પછી પાંડિયને લોકોની ફરિયાદો સાંભળવા માટે હેલિકોપ્ટરનો જબરદસ્ત ઉપયોગ કર્યો હતો. આ રીતે તેમણે લોકો સાથે 190 બેઠક કરી હતી. આ કારણસર તેઓ વિપક્ષના નિશાને આવી ગયા હતા. 2023 સુધી તેમણે આ હોદ્દે ફરજ બજાવી અને બાદમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને રાજકારણમાં ઝંપલાવ્યું. 

  નવીન પટનાયકના વિશ્વાસુ પાંડિયનનો રાજકારણમાંથી સન્યાસ, ઓડિશામાં BJDની હારની જવાબદારી સ્વીકારી 2 - image


Google NewsGoogle News