Get The App

રેસિડેન્ટ ડોકટરોએ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું, બંગાળમાં મહિલા તબીબ સાથે થયેલ હેવાનિયતના કારણે રોષ

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
RG Kar Medical College Protest



RG kar Medical Collage: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હવે જોર પકડી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સના સંગઠન 'ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન' દ્વારા 12 ઓગસ્ટથી સમગ્ર દેશમાં હડતાળની જાહેરાત કરી છે. તેમણે તમામ સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનને આ હડતાળમાં જોડાવા હાકલ કરી છે. આ સમયગાળા દરમિયાન ઓપીડી, વૈકલ્પિક સર્જરી અને લેબમાં કામ બંધ રાખવા નોટિસ આપી છે. 

પીડિતાને ન્યાય અપાવવા જુનિયર ડોક્ટરોનો વિરોધ

આરજી કર મેડિકલ કોલેજના જુનિયર ડોકટરો પણ પીડિતાને ન્યાય અપાવવાની માગ સાથે સતત વિરોધ કરી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં બંધ છે. જુનિયર ડોક્ટર્સનું કહેવું છે કે, પોલીસે માત્ર એક જ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ઘણા લોકો પણ આ જઘન્ય ઘટનામાં સામેલ હોઈ શકે છે. તેમનો દાવો છે કે આરોપી સંજય રોયની ધરપકડ પાછળ જાણીજોઈને કોઈ મોટી વાત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ જોવા દેવામાં આવ્યા નથી. જ્યાં સુધી તેમની માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ હોસ્પિટલનું કામ બંધ રખાશે.

કોલેજના સુપરિટેન્ડેન્ટને પદ પરથી હટાવાયા

આ ભયાનક ઘટના બાદ આરોગ્ય વિભાગે મેડિકલ કોલેજના સુપરિટેન્ડેન્ટ ડૉ. સંજય વશિષ્ઠને હટાવવાનો આદેશ આપ્યો છે. તેઓ ત્યાં લાંબા સમયથી પ્રભારીના પદે કાર્યરત હતા. હવે તેમના સ્થાને હોસ્પિટલના ડીન બુલબુલ મુખોપાધ્યાયને આ જવાબદારી સોંપવામાં આવી છે. શુક્રવારે મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો ત્યારથી જ સુપ્રિટેન્ડેન્ટને હટાવવાની માગ ઉઠી હતી. જે બાદ 48 કલાક બાદ આરોગ્ય વિભાગે તેમને હટાવવાનો આદેશ જારી કર્યો હતો.

આ પણ વાંચોઃ હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે મહુઆ મોઈત્રાના માધબી બુચને 13 સવાલ, મોદી સરકારને પણ આડેહાથ લીધી

આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો

કોલકાતા પોલીસે શનિવારે એક આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આરોપી હવે 23 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે, જ્યાં તેની આ કેસ અંગે પૂછપરછ કરવામાં આવશે. આરોપી વિરુદ્ધ BNSની કલમ 64 (બળાત્કાર) અને 103 (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ બ્લૂટૂથ ઇયરબડ દ્વારા તેના સુધી પહોંચવામાં સફળ રહી હતી.

મમતા બેનર્જીએ આ અંગે શું કહ્યું?

આરોપીની ધરપકડ બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને ફાંસીની સજા આપવા માગ કરી છે. તેમણે કહ્યું કે, જો પીડિત પરિવાર સીબીઆઈ તપાસની માંગ કરશે તો તેઓ તેનું સમર્થન કરશે. તેમને આની સામે કોઈ વાંધો નથી. તેમણે કહ્યું, "જો તેમને પશ્ચિમ બંગાળ સરકાર પર વિશ્વાસ નથી, તો તેઓ કોઈપણ તપાસ એજન્સીનો સંપર્ક કરી શકે છે. અમને કોઈ વાંધો નથી. કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે."

રાજ્યપાલનો તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે રાજ્ય સરકારને આ મામલે તાત્કાલિક પગલાં લેવા અને રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ આ મામલો ભારત સરકાર સમક્ષ ઉઠાવશે. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ દર્શાવે છે કે મહિલા ડૉક્ટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી તે પહેલા તેના પર બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમારી સામેના આરોપો પાયાવિહોણા, આ તપાસ થઈ ચૂકી છે; હિંડનબર્ગ રિપોર્ટ અંગે અદાણી જૂથનો જવાબ

IMAનું અલ્ટીમેટમ, દેશવ્યાપી પ્રદર્શનની ચેતવણી

આ આઘાતજનક ઘટના બાદ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોએ CBI તપાસની માગ સાથે કેન્ડલ માર્ચ કાઢી હતી. આ સાથે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ તપાસ પૂર્ણ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આ સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની ચેતવણી પણ આપી છે.


Google NewsGoogle News