'સાવરકર પર આવું નિવેદન અસ્વીકાર્ય, હવે ભૂલ કરી તો...', સુપ્રીમ કોર્ટનો રાહુલ ગાંધીને ફટકાર
હા
Savarkar Defamation Case: વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઇકોર્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ ટિપ્પણી કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે.
હાઇકોર્ટે રાહત આપવાનો ઇન્કાર કર્યો
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની ટિપ્પણીને 'બેજવાબદાર' ગણાવી હતી. તેમજ સાવરકર વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇન્કાર કરતાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.
જો તમે આવી ટિપ્પણીઓ કરવાનું ચાલુ રાખશો તો તેના પરિણામ ભોગવવા પડશે: SC
આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'તેમણે આપણને આઝાદી અપાવી અને તમે તેમની સાથે આવો વ્યવહાર કરી રહ્યા છો.' ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચે કોંગ્રેસના નેતાને ચેતવણી આપી હતી કે તેઓ સાવરકર વિરુદ્ધ વધુ કોઈ અપમાનજનક ટિપ્પણી ન કરે, અને કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં તેમની પૂજા થાય છે. મહાત્મા ગાંધી પોતે સાવરકરનું સન્માન કરતા હતા, જ્યારે તેમના દાદી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે સાવરકરને તેમની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો.'
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ચેતવણી આપતાં કહ્યું કે તમે સ્વતંત્રતા સેનાનીઓના ઇતિહાસને સમજ્યા વિના આવું નિવેદન આપી શકતા નથી. જો તમે આવી ટિપ્પણીઓ કરવાનું ચાલુ રાખશો તો તેના પરિણામ ભોગવવા પડશે.'
આ પણ વાંચો: સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો દાવો
શું છે આખો મામલો?
લખનૌ સ્થિત વકીલ નૃપેન્દ્ર પાંડેએ રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમ 153(A) અને 505 હેઠળ કેસ દાખલ કર્યો હતો કે, 17 ડિસેમ્બર 2022ના રોજ, મહારાષ્ટ્રના અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ વીર સાવરકરને અંગ્રેજોના નોકર અને પેન્શનર કહ્યા હતા. પત્રકાર પરિષદમાં પત્રકારોને પહેલા તૈયાર કરેલી પત્રિકાઓ પણ આપવામાં આવી હતી. આ દર્શાવે છે કે રાહુલ ગાંધીએ સમાજમાં નફરત ફેલાવવાના ઇરાદાથી સંપૂર્ણ તૈયારી સાથે તે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.