કડકડતી ઠંડીમાં ઠુંઠવાતું ઉત્તર ભારત, ગાઢ ધુમ્મસને કારણે રેલ-રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત

વિઝિબલિટી ઓછી હોવાને કારણે 30 ફ્લાઇટ મોડી અને 17 રદ કરવામાં આવી

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
કડકડતી ઠંડીમાં ઠુંઠવાતું ઉત્તર ભારત, ગાઢ ધુમ્મસને કારણે રેલ-રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત 1 - image


Weather Update : રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી (extremely cold) પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. આ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસની સ્થિતિ વચ્ચે એક એડવાઈઝરી જારી કરીને મુસાફરોને મુસાફરી કરતા પહેલા એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.

ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટ્સ મોડી 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં આજે સવારે ગાઢ ધુમ્મસની સાથે પશ્ચિમ-ઉત્તર દિશામાંથી ઠંડા પવનો પણ ફૂંકાયા હતા. જેના કારણે આ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. આજે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી થવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હાડ થીજવતી ઠંડીના કારણે, લોકો પોતાને ગરમ રાખવા માટે તાપણા પાસે બેઠેલા જોવા મળી રહ્યા છે. આજે પણ હવામાનની સ્થિતિને ખરાબ હોવાને કારણે તેમજ વિઝિબલિટી ઓછી હોવાને કારણે દિલ્હી એરપોર્ટ પરથી ઉપડતી લગભગ 30 ફ્લાઇટ્સ મોડી પડી છે અને 17 ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનો પણ મોડી ચાલી રહી છે.

આ રાજ્યોમાં કોલ્ડવેવ રહેશે

આ સાથે સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તેમજ ઓડિશા, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને કેરળમાં પણ વરસાદની સંભાવના છે જ્યારે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહાર ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે. આ સિવાય જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, ઓડિશા, આસામ અને મેઘાલય અને નાગાલેન્ડના અલગ-અલગ વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ રહેશે. 

કડકડતી ઠંડીમાં ઠુંઠવાતું ઉત્તર ભારત, ગાઢ ધુમ્મસને કારણે રેલ-રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત 2 - image


Google NewsGoogle News