ચોંકાવનારો રિપોર્ટ : દેશમાં એન્ટી બાયોટિક દવાઓનો બેફામ ઉપયોગ, ડૉક્ટરો આંખો મીંચીને આપે છે પ્રિસ્ક્રિપ્શન
15 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશની 20 હોસ્પિટલ પર કરવામાં આવ્યો અભ્યાસ
છ મહિનામાં આ 20 હોસ્પિટલમાં 71.9 ટકા દર્દીને આપી એન્ટી બાયોટિક દવાઓ
Antibiotic Drugs Report: એન્ટી બાયોટિક દવાઓનો બેફામ ઉપયોગ ચિંતાનું કારણ છે. વર્ષ 2019માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાહેર આરોગ્યના ટોચના 10 જોખમોમાં એક જોખમ તરીકે એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) નો સમાવેશ કર્યો છે. જેની પાછળનું મુખ્ય કારણ એન્ટી બાયોટિક દવાઓનો આડેધડ ઉપયોગ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે આ પડકારનો સામનો કરવા ઘણા પગલા લીધા છે, પરંતુ સરકારી રિપોર્ટમાં જાહેર થતા આંકડાઓ ચિંતાજનક છે.
20 હોસ્પિટલમાં કરવામાં આવ્યો અભ્યાસ
આ અભ્યાસ 15 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશની 20 હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે. આ સર્વે છ મહિનામાં 9,652 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ હોસ્પિટલોમાં ડૉક્ટરોએ 71.9 ટકા દર્દીઓને એન્ટિ બાયોટિક્સ દવાઓ લખી હતી. 20 માંથી ચાર સંસ્થાઓએ 95 ટકાથી વધુ દર્દીઓને એન્ટિ બાયોટિક્સ દવાઓ સૂચવી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી જાણકારી
આ અભ્યાસ નવેમ્બર 2021 અને એપ્રિલ 2022 વચ્ચે કરવામાં આવ્યો હતો. તમાં મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તારણો બહાર પાડ્યા હતા. જેમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 45 ટકા દર્દીઓને સારવાર માટે એન્ટિ બાયોટિક્સ આપવામાં આવી રહી છે. જ્યારે 55 ટકા દર્દીઓને રોગથી બચવા માટે એન્ટિ બાયોટિક્સ આપવામાં આવી રહી છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે 4.6 ટકા દર્દીઓએ ચાર કે તેથી વધુ એન્ટિ બાયોટિક્સ લીધી હતી.
દરેક તબીબી સંસ્થા પાસે એન્ટિ બાયોટિક પોલિસી હોવી જરૂરી
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક્સેસ ગ્રૂપ એન્ટિ બાયોટિક્સ (38 ટકા) કરતાં વોચ ગ્રૂપ એન્ટિ બાયોટિક્સ (57 ટકા) વધુ વખત સૂચવવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે વોચ ગ્રુપ એન્ટિબાયોટિક્સમાં એન્ટિ બાયોટિક પ્રતિકાર વિકસાવવાની વધુ ક્ષમતા હોય છે. એક એવી ભલામણ પણ કરવામાં આવી છે કે, દરેક તબીબી સંસ્થા પાસે એન્ટિ બાયોટિક પોલિસી હોવી જોઈએ. તેમજ તબીબી સંસ્થાઓએ એન્ટિ બાયોટિક પ્રતિકાર ઘટાડવા માટે સારવાર માનક માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઈએ.