મહારાષ્ટ્રમાં અજિતને 'લોટરી'! ડે. સી.એમ સાથે નાણા મંત્રાલયની ઑફર પણ શિંદેને ભાજપનો ઝટકો!
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની રચનામાં ગૃહ વિભાગ અટવાયું છે. આ કારણે નવી સરકારના શપથ ગ્રહણમાં વિલંબ થઈ શકે છે. હાલમાં ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે છે. પરંતુ, એકનાથ શિંદે નવી સરકારમાં ગૃહ વિભાગ ઇચ્છે છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથેની લાંબી બેઠકમાં એકનાથ શિંદેને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે નાણાં, ગૃહ અને કાર્મિક વિભાગ સિવાય તેમને કોઈપણ વિભાગ આપવામાં આવી શકે છે.
શિંદેએ નાયબ મુખ્યમંત્રી પદ લેવાના કિસ્સામાં ગૃહ વિભાગની શરત મૂકી
અજિત પવારે નાયબ મુખ્યમંત્રી સાથે નાણાં વિભાગને પણ સંમતિ આપી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગુરુવારે મોડી રાત સુધી અમિત શાહ સાથેની બેઠકમાં વિભાગો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સહિત ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા હાજર હતા. બેઠકમાં શિંદેને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, 'આ વખતે મુખ્યમંત્રી ભાજપના જ હશે અને તેમને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવશે. શિંદેએ નાયબ મુખ્યમંત્રી પદ સંભાળવા માટે ગૃહ વિભાગની શરત મૂકી.'
નવી સરકાર બનાવવા માટે મહાયુતિના નેતાઓ મળશે
શિવસેનાના (એકનાથ જૂથ) વડા એકનાથ શિંદેએ જણાવ્યું કે, 'દેવેન્દ્ર ફડણવીસ પાસે નાયબ મુખ્યમંત્રી તરીકે ગૃહ ખાતું હતું, તેવી જ રીતે હવે નાયબ મુખ્યમંત્રી અમારા છે તો હવે તે તેમની પાસે હોવું જોઈએ.' પરંતુ અમિત શાહે તેનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. માનવામાં આવી રહ્યું હતું કે મુંબઈ પરત ફર્યા બાદ નવી સરકાર બનાવવા માટે મહાયુતિના નેતાઓની બેઠક થશે. પરંતુ ગુસ્સે ભરાયેલા એકનાથ શિંદે અચાનક તેમના ગામ સતારા જવાના કારણે બેઠક મોકૂફ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: સીરિયામાં ભયંકર ગૃહયુદ્ધના એંધાણ, બળાવખોરોનો એલેપ્પો શહેર પર કબજો, 200થી વધુનાં મોત