'મની લોન્ડરિંગ ગંભીર ગુનો, વ્યક્તિ પોતાના લાભ માટે રાષ્ટ્રહિતની અવગણના કરે છે' : સુપ્રીમ કોર્ટ
Supreme Court decision: સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં મની લોન્ડરિંગને દેશની નાણાકીય વ્યવસ્થા અને સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે ખતરો ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે, 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)નો હેતુ મની લોન્ડરિંગને રોકવાનો છે, જે દેશની નાણાકીય વ્યવસ્થા માટે ખતરો છે. મની લોન્ડરિંગ એ એક ગંભીર ગુનો છે જેમાં વ્યક્તિ પોતાનો નફો વધારવા માટે રાષ્ટ્રીય અને સામાજિક હિતોને અવગણે છે. આ ગુનાને કોઈપણ રીતે સામાન્ય ગુનો ન કહી શકાય.'
પીએમએલએનો દુરુપયોગ થઈ રહ્યો છે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કાયદો મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યો છે. આમાં મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જેનો નાણાકીય વ્યવસ્થા પર આંતરરાષ્ટ્રીય પ્રભાવ પડે છે, જે દેશોની સાર્વભૌમત્વ અને અખંડિતતાને પણ અસર કરે છે. સમગ્ર વિશ્વમાં મની લોન્ડરિંગને ગુનોનું એક ગંભીર સ્વરૂપ માનવામાં આવે છે. આમાં સામેલ ગુનેગારોને સામાન્ય ગુનેગારો કરતા અલગ વર્ગના માનવામાં આવે છે.'
જસ્ટિસ અભય એસ. ઓકા અને જસ્ટિસ ઓગસ્ટિન મસીહની બેન્ચે જણાવ્યું હતું કે, 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓનો ઉપયોગ કોઈને કાયમ માટે જેલમાં રાખવા માટે કરી શકાતો નથી. PMLAનો દુરુપયોગ દહેજ કાયદા (કલમ 498A) ની જેમ થઈ રહ્યો છે.'
શું છે સમગ્ર મામલો?
છત્તીસગઢમાં કથિત દારૂ કૌભાંડના આરોપી પૂર્વ IAS અધિકારી અરુણ પતિ ત્રિપાઠીને જામીન આપતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસમાં ત્રિપાઠી પર મની લોન્ડરિંગનો આરોપ હતો, જોકે, તેને જેલમાંથી મુક્ત કરવામાં આવશે નહીં કારણ કે તે આર્થિક ગુના શાખા દ્વારા દાખલ કરાયેલા બીજા કેસનો સામનો કરી રહ્યો છે. નોંધનીય છે કે, છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસમાં ત્રિપાઠી પર મની લોન્ડરિંગનો આરોપ હતો અને 2023 માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.