ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યું હતું, એ દિવસ નેશનલ સ્પેસ ડે તરીકે મનાવાશેઃ ISRO
Image: X
National Space Day: ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક 23 ઓગસ્ટ 2023ના રોજ ઉતર્યું હતું. આ અંગે ઈસરોના વડા ડૉ. એસ. સોમનાથે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે,‘23 ઓગસ્ટનો દિવસ ભારતમાં હવે નેશનલ સ્પેસ ડે તરીકે મનાવાશે. આ દિવસે દેશભરમાં ઈસરો તરફથી ભવ્ય ઉજવણી કરાશે. આ જ દિવસે સાંજે 05.20 મિનિટે ઈસરોએ યુટ્યૂબ, ફેસબુક અને ઈસરોની સાઈટ પર ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું, જેને લાખો-કરોડો લોકો તેને જોઈ રહ્યાં હતાં. ઈસરો વિજ્ઞાનીઓએ માહિતી આપી કે હવે લેન્ડિંગ શરૂ થવાનું છે, તો લોકો ઈસરો સ્ટ્રીમિંગ પરથી નજર પણ નહોતા હટાવતા.’ આ સાથે એસ. સોમનાથે તમામ દેશવાસીઓને આ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની પણ અપીલ કરી છે.
રફ બ્રેકિંગ ફેઝ
એ દિવસે 30 કિલોમીટરની ઊંચાઈથી 7.4 કિલોમીટરના અંતર સુધી ચંદ્રયાન-3ના લેન્ડરને આવવાનું હતું. તેમાં તેને 690 સેકન્ડ લાગી એટલે કે 11.5 મિનિટ. આ દરમિયાન ચંદ્રયાને 713 કિલોમીટરની યાત્રા કરી. તેણે યાત્રાની શરૂઆત 1.68 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિ ઘટાડીને 358 મીટર પ્રતિ સેકન્ટ કર્યા. આ ગતિ નીચે આવવાની હતી. હોરીઝોન્ટલ ગતિ 61 મીટર પ્રતિ સેકન્ડ હતી.
અલ્ટિટ્યૂડ હોલ્ડ ફેઝ
એટલે કે 32થી 28.52 કિલોમીટરનું અંતર નક્કી કરવામાં આવ્યું. ઊંચાઈ 6.8 કિલોમીટર હતી. સમય માત્ર 10 સેકન્ડનો લાગ્યો. નીચે આવવાની સ્પીડ 336 મીટર પ્રતિ સેકન્ડ હતી.
ફાઈન બ્રેકિંગ ફેઝ
28.52 કિલોમીટરથી 0 કિલોમીટર સુધીનું અંતર નક્કી કરવામાં આવ્યું એટલે કે લેન્ડર હવે લેન્ડિંગવાળા સ્થળની ઠીક ઉપર હતું. ઊંચાઈ 0.8 થી 1.3 કિલોમીટર હતી કેમ કે તેને ઉતરવાની યોગ્ય જગ્યા જોતાં નીચે આવવાનું હતું. એટલે કે તે હેલિકોપ્ટરની જેમ ઊડી રહ્યું હતું. તેના ચારેય પગ નીચેની તરફ હતાં. આ સ્થિતિમાં તે 2 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી 150 મીટરની ઊંચાઈ સુધી આવ્યું. આ સમગ્ર પ્રોસેસ કરવામાં તેને 175 સેકન્ડ લાગ્યા એટલે કે લગભગ 3 મિનિટ.
ટર્મિનલ ડિસેન્ટ ફેઝ
આ 150 મીટરની ઊંચાઈથી સીધા નીચે સપાટી તરફ શરૂ થાય છે. આ દરમિયાન ચંદ્રયાન-3નું લેન્ડર હોરીઝોન્ટલી 0.5 મીટર પ્રતિ સેકન્ડ અને 2 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી વર્ટિકલી નીચે આવી રહ્યું હતું. 150 મીટરથી 60 મીટર સુધી આવવામાં તેને 73 સેકન્ડ લાગ્યા. જેમાં 52 સેકન્ડ રીટાર્ગેટિંગ હતો એટલે કે સુરક્ષિત સ્થાન શોધવામાં લાગ્યા. જે બાદ 60 મીટરથી 10 મીટરનું અંતર તેણે 38 સેકન્ડમાં પૂરું કર્યું. છેલ્લે 9 સેકન્ડમાં તેણે 10 મીટરથી સપાટી સુધીનું અંતર નક્કી કર્યું.
આટલા ચોક્કસ ગણિત અને સટીકતા બાદ વિક્રમ લેન્ડરે પોતાના પગ ચંદ્રની સપાટી પર મૂક્યા. ત્યારે આ મિશન સફળ થયું. એટલું જ નહીં લેન્ડિંગની નજીક ત્રણમાં જ્યારે લેન્ડિંગના કારણે ઉઠેલી ચંદ્રની ધૂળ જમીન પર બેસી ગઈ. ત્યારે પ્રજ્ઞાન રોવર બહાર નીકળ્યું.