મેડલના બદલામાં નોટિસ: સરકાર મનુ ભાકર અને સરબજોતના કોચનું મકાન તોડી પાડવાની કવાયતમાં

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
Samresh Jung:


House Demolition Notice Samresh Jung: પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકર અને સરબજોત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંનેની સફળતામાં નેશનલ પિસ્ટલ શૂટિંગ કોચ (National pistol coach) સમરેશ જંગનો મહત્વનો ફાળો માનવામાં આવે છે પરંતુ આ દરમિયાન ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. 

નેશનલ પિસ્ટલ શૂટિંગ કોચ સમરેશ જંગની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. ઓલિમ્પિયન સમરેશ જંગ નવી દિલ્હીના સિવિલ લાઇન્સમાં ખૈબર પાસ વિસ્તારમાં રહે છે. આ દિગ્ગજનું ઘર ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.

મળતી માહિતી પ્રમાણે, LNDO (Land And Development Office)એ સમરેશ જંગ અને અન્ય ઘણા રહેવાસીઓને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જે જમીન પર ખૈબર પાસ કોલોની આવેલી છે તે રક્ષા મંત્રાલયની છે અને તેથી તે ગેરકાયદેસર છે.

મેડલની સામે ડિમોલેશનની નોટિસ અંગે સમરેશ જંગે પોસ્ટ શેર કરતા જણાવ્યુ કે, ભારતીય શૂટરોએ બે ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ હું ખૂબ જ ઉત્સાહિત થઇને ઘરે પરત ફર્યો, પરંતુ મને નિરાશાજનક સમાચાર મળ્યા કે, મારું ઘર અને સમગ્ર વિસ્તાર બે દિવસમાં તોડી પાડવામાં આવશે. 

તેમણે આગળ કહ્યું કે, શા માટે લોકોના મકાનો તોડી પાડવામાં આવે છે? તેઓએ અચાનક આખી વસાહતને ગેરકાયદેસર જાહેર કરી દીધી, ગઈકાલે રાત્રે અમને કહેવામાં આવ્યું કે, અમારે બે દિવસમાં જગ્યા છોડી દેવી પડશે, મારો પરિવાર છેલ્લા 75 વર્ષથી અહીં રહે છે, અમે 1950 થી અહીંના રહેવાસી છીએ. એક ઓલિમ્પિયન અને અર્જુન પુરસ્કાર મેળવનાર હોવાના નાતે,એક ઓલિમ્પિયન તરીકે, ઓછામાં ઓછા એક સમ્માનજનક વિદાયની અપેક્ષા રાખુ છું, અને આ બાબતે સ્પષ્ટતા સાથે ઓછામાં ઓછા 2 મહિનાનો સમય આપવા અપીલ પણ કરીએ છીએ. 


Google NewsGoogle News