પોલીસ કસ્ટડી કે સુધારા ગૃહમાં પણ મહિલાઓ અસુરક્ષિત, પાંચ વર્ષમાં દુષ્કર્મના 275 કેસ
NCRBએ 2017થી 2022 દરમિયાન પોલીસ કસ્ટડીમાં થયેલા દુષ્કર્મનો રિપોર્ટ બહાર પાડ્યો
કસ્ટડીમાં દુષ્કર્મના સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં, ત્યારબાદ બીજા ક્રમે મધ્ય પ્રદેશ
NCRB Custodial Rape Case Report : દેશની પોલીસ કસ્ટડીમાં અને સુધારા ગૃહોમાં પણ મહિલાઓ અસુરક્ષિત હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા મુજબ દેશમાં 2017થી 2022 દરમિયાન કસ્ટડીમાં દુષ્કર્મના 270થી વધુ કેસ નોંધાયા છે. એટલું જ નહીં આ ગંભીર ગુના આચનારાઓ પોલીસ કર્મચારીઓ, જાહેર સેવકો, સશસ્ત્ર દળોના સભ્યો અને જેલોના કર્મચારીઓ, રિમાન્ડ હોમના કર્મચારીઓ, અટકાયતની જગ્યાઓ અને હોસ્પિટલોના કર્મચારીઓ સામેલ હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત કેટલાક વર્ષોથી આવા કેસોમાં આંશિક ઘટાડો થયો હોવાનું પણ જણાવાયું છે. 2022માં આવા 24 કેસ નોંધાયા હતા, જ્યારે 2021માં 26, 2020માં 29, 2019માં 47, 2018માં 60 અને 2017માં 89 કેસ નોંધાયા હતા.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા
પોલીસ કસ્ટડીમાં થયેલ દુષ્કર્મનો ગુનો ભારતીય દંડ સંહિતાની કલમ 376(2) હેઠળ નોંધવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પોતાના અધિકાર અથવા તેની જવાબદારી હેઠળની કસ્ટડીની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી મહિલા સાથે દુષ્કર્મ કરે, તો તેની વિરુદ્ધ આ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. વર્ષ 2017માં કસ્ટડીમાં દુષ્કર્મના કુલ 275 કેસ નોંધાયા હતા, જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 92, ત્યારબાદ મધ્ય પ્રદેશમાં 43 કેસ નોંધાયા હતા.
મહિલાઓને જાતીય ઈચ્છા પૂરી કરવા મજબૂર કરાય છે : મુત્તરેજા
પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયાની કાર્યકારી નિદેશક પૂનમ મુત્તરેજા (Poonam Muttreja)એ કહ્યું કે, ‘કસ્ટોડિયલ સેટિંગ્સ દુરુપયોગની તકો ઉભી કરે છે. રાજ્ય એજન્ટો ઘણીવાર પોતાની જાતીય ઈચ્છા પુરી કરવા મહિલાઓને મજબુત કરતા હોય છે. મહિલાઓને સુરક્ષા નામે અથવા મજબુરીના કારણે કસ્ટડીમાં લઈ અને તેને જાતીય હિંસાનો શિકાર બનાવવી હોવાના ઘણા ઉદાહરણો છે.’