Get The App

સાત વર્ષની આતુરતાનો અંત? OBC માટે મોટી જાહેરાત કરવાની તૈયારીમાં મોદી સરકાર?

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
સાત વર્ષની આતુરતાનો અંત? OBC માટે મોટી જાહેરાત કરવાની તૈયારીમાં મોદી સરકાર? 1 - image


OBC : ઓબીસી (અન્ય પછાત વર્ગો ) ના ક્રીમી લેયરનો વ્યાપ વધારવાની માંગ પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે ઓબીસી સંગઠનો સાથે ચર્ચા શરૂ કરી છે. હાલના જે સંકેતો મળી રહ્યા છે, તે પ્રમાણે  ક્રીમી લેયરની મર્યાદા વધારીને 12 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. હાલમાં OBC ક્રીમી લેયરની મર્યાદા 8 લાખ રૂપિયા છે, જે 2017થી વધારવામાં આવી નથી. અગાઉ દર ત્રણ વર્ષે તેની સમીક્ષા કરવામાં આવતી હતી.

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને પ્રસ્તાવ આપ્યો

આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે પણ કેન્દ્રને OBC ક્રીમી લેયરનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે આ પ્રસ્તાવ આવ્યો તે પહેલાથી કેન્દ્ર સરકાર આ મુદ્દે કામ કરી રહી હતી. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે પણ આ મુદ્દે ઓબીસી સંગઠનો સાથે ચર્ચા પણ કરી છે.

ઓબીસી સંગઠનોએ વધારીને 15 લાખ કરવાની માંગ કરી 

OBC સંગઠનોએ ક્રીમી લેયરનો વ્યાપ વધારીને 15 લાખ રૂપિયા કરવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે, જે પ્રમાણે મોંઘવારી અને લોકોની આવક વધી છે, તેને જોતા આ વધારો 15 લાખ રૂપિયાથી હોવી જોઈએ.

સંસદીય સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠ્યો

ક્રીમી લેયરનો આ મુદ્દો ગયા મહિને યોજાયેલી સંસદીય સમિતિની બેઠકમાં પણ સામે આવ્યો હતો. સમિતિએ આમાં થઈ રહેલા વિલંબને લઈને મંત્રાલયના અધિકારીઓને આડે હાથ લીધા હતા. હાલમાં OBC ના ક્રીમી લેયર નક્કી કરવા માટે પગાર અને કૃષિ આવકનો સમાવેશ થતો નથી. આમાં ફક્ત વ્યવસાયિક આવકનો સમાવેશ કરવામાં આવે છે. ક્રીમી લેયર હેઠળ આવતા લોકોને ઓબીસી અનામતનો લાભ આપવામાં આવતો નથી.

ક્રીમી લેયર શું છે?

ક્રીમી લેયરમાં આવતાં ઓબીસી વર્ગના લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ મળતો નથી. માત્ર વંચિતોને જ અનામતનો લાભ મળે, તે માટે ક્રીમી લેયરની જોગવાઈ કરવામાં આવી છે.

હાલમાં 8 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને ક્રીમી લેયરનો ભાગ ગણવામાં આવે છે. આ ઉપરાંત ગ્રુપ A, B સેવાઓમાં કામ કરતા અધિકારીઓના બાળકો પણ આમાં સામેલ છે. આ ઉપરાંત ડોક્ટર, એન્જિનિયર અને વકીલોના બાળકો પણ આ કેટેગરીમાં આવે છે.


Google NewsGoogle News