2022-23માં નેશનલ હાઇવેઝ 25000 કિ.મી. વિસ્તારાશે
નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ હાથ ધરાશે
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે
જણાવ્યું હતું કે 2022-23માં નેશનલ હાઇવેઝમાં 25,000 કિ.મી.નું વિસ્તરણ કરવામાં
આવશે. આ ઉપરાંત પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ (પીપીપી) મોડ મુજબ નેશનલ રોપવે
ડેવલપમેન્ટ કાર્યક્રમ હાથ ધરાશે.
તેમણે જણાવ્યું હતું કે ચાર સ્થળોએ મલ્ટીમોડલ
લોજિસ્ટિક્સનું અમલીકરણ માટેના કોન્ટ્રાક્ટ ૨૦૨૨-૨૩માં અમલી થશે. નાણાપ્રધાને
જણાવ્યું હતું કે જાહેર સંસાધનો માટેના અનોખા માર્ગે ફાઇનાન્સ કરીને આ ભંડોળ
એકત્રિત કરવામાં આવશે. એક્સપ્રેસ વેઝ માટે પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન લોકો અને
માલસામગ્રીનું પરિવહન ઝડપી બનાવશે.
તેમણેઉમેર્યુ હતું કે ૨૦૨૨-૨૩માં નેશનલ હાઇવેઝનું નેટવર્ક
૨૫,૦૦૦ કિ.મી.
વિસ્તારાશે. પ્રધાને જણાવ્યું હતું કે પર્વતીય વિસ્તારોમાં રોડ બાંધવો અઘરો છે
ત્યાં નેશનલ રોપવેઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પીપીપી મોડેલ પર હાથ ધરાશે.
તેમણે ઉમેર્યુ હતું કે તેનાથી કનેક્ટિવિટી વધશે અને લોકોને
સગવડ મળશે તથા પ્રવાસનને પણ વેગ મળશે. સીતારામને જણાવ્યું હતું કે કુલ ૬૦ કિ.મી.ની
લંબાઈના આઠ રોપવે પ્રોજેક્ટ માટેના કોન્ટ્રાક્ટ ૨૦૨૨-૨૩માં અપાશે.
બજેટ ૨૦૨૨-૨૩ પર ટિપ્પણી કરતા માર્ગ પરિવહન અને હાઇવે
પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ વર્ષના બજેટમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ
અને ખેડૂતોને પ્રાથમિકતા અપાઈ છે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને અગ્રતા
આપવામાં આવી છે. તેમણે નોંધ્યું હતું કે નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામથી
ઉત્તરપૂર્વ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ
અને કાશ્મીરને ફાયદો થશે.
બજેટ ૨૦૨૨-૨૩માં હાઇવે સેક્ટરની ફાળવણી વધારીને કુલ 1.99 લાખ કરોડ કરવામાં આવી છે. જ્યારે અગાઉના વર્ષે 1.18 લાખ કરોડનીફાળવણી કરાઈ હતી તે
સુધારી 1.31 લાખ કરોડ કરાઈ હતી. ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન (આઇઆરએફ)એ હાઇવેઝ અને
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોકાણને આવકાર્યુ છે.