સરકારની તિજોરી ભરાઈ : પાન-આધાર લિંક ન કરનારાઓ પાસેથી વસૂલ્યા 600 કરોડ
કેન્દ્ર સરકારે પાન-આધાર લિંક પેટેની પેનલ્ટી અંગે સંસદમાં માહિતી આપી
નાણા રાજ્યમંત્રીએ કહ્યું, 11.48 લાખ કરોડ આધારકાર્ડ લિંક કરાયા નથી
PAN-Aadhaar Linking : કેન્દ્ર સરકારે આજે સંસદમાં માહિતી આપી છે કે, તેણે પાન-આધાર લિંક કરવામાં વિલંબ કરનારાઓ પાસેથી 600 કરોડનો દંડ ફટકાર્યો છે. લગભગ 11.48 કરોડ એકાઉન્ટ પણ બાયોમેટ્રિક ઓળખ સાથે જોડવામાં આવ્યા નથી.
11.48 લાખ કરોડ આધારકાર્ડ લિંક કરાયા નથી
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખીત જવાબમાં કહ્યું કે, આધાર સાથે લિંક ન કરાયેલ પાનકાર્ડની સંખ્યા 29 જાન્યુઆરી-2024 સુધીમાં 11.48 લાખ કરોડ છે, જેમાં કેટલી શ્રેણીઓનો સમાવેશ થતો નથી.
પાનને આધાર સાથે લિંક ન કરનાર પાસેથી રૂ.601.97 કરોડ વસુલાયા
વાસ્તવમાં 30 જૂન-2023ની અંતિમ તારીખ બાદ પાન અને આધારને લિંક ન કરનારા વ્યક્તિઓ પાસેથી 1000 રૂપિયાની લેટ પેનલ્ટી દ્વારા સરકારની કમાણીની વિગતો અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે, 1 જુલાઈ-2023થી 31 જાન્યુઆરી-2024 સુધીમાં જે વ્યક્તિઓએ તેમના પાનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તેમની પાસેથી કુલ રૂ.601.97 કરોડ વસુલાયા છે.
નિષ્ક્રિય પાનકાર્ડ ફી ચુકવ્યા બાદ ચાલુ કરાવી શકાશે
ઉલ્લેખનીય છે કે, પાનને બાયોમેટ્રિક આધાર સાથે લિંક કરાવાની અંતિમ તારીખ 30 જૂન-2023 હતી. આવકવેરા વિભાગે કહ્યું હતું કે, જે કરદાતા આધાર બતાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેમનું પાન કાર્ડ એક જુલાઈ-2023થી નિષ્ક્રિય થઈ જશે અને આવા પાનકાર્ડ ધારકોને કોઈપણ રિફંડ અપાશે નહીં. આ ઉપરાંત ડીટીએસ અને ટીસીએસની વધુ રકમ ચુકવવી પડશે. તેમજ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવામાં વિલંબ ફી 1000 રૂપિયા ચુકવ્યા બાદ જ પાનકાર્ડ ફરી ચાલુ કરાવી શકાશે.